હે રામ, ક્રિકેટ મેચ રમતા રમતા અચાનક જ મેદાન પર ઢળી પડ્યો ભારતીય ક્રિકેટર, થયું મોત, કારણ ચોંકાવનારું
ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર અકસ્માતે મોત કે હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવે છે, ઘણીવાર રમતના મેદાન પરથી પણ આવા બનાવ સામે આવતા હોય છે. ત્યારે હાલમાં જ શુક્રવારે કંઈક આવું બન્યું. મેચ દરમિયાન એક ભારતીય ખેલાડી અચાનક મેદાન પર પડી ગયો અને મોતને ભેટ્યો. જણાવી દઇએ કે, આ ઘટના ઓમાનમાં ‘ફ્રાઈડે મોર્નિંગ ફ્રેન્ડલી લીગ’ નામની ટૂર્નામેન્ટ સમયે બની હતી.
જેમાં ધનેશ માધવન નામનો 38 વર્ષિય ખેલાડી ફાઈટર્સ ટીમ વતી મેચ રમી રહ્યો હતો અને ફિલ્ડિંગ કરતા સમયે અચાનક પડી ગયો. જો કે, તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, પરંતુ તેને મૃત જાહેર કરાયો. એવું સામે આવ્યુ છે કે ધનેશની પત્ની અને ત્રણ વર્ષનો પુત્ર ભારતમાં રહે છે. ઘટનાની પુષ્ટિ કરતા ફાઈટર્સ ટીમના કેપ્ટને જણાવ્યુ કે, ધનેશ એક કુશળ ખેલાડી હતો અને ટીમ માટે તે સક્રિય ઓલરાઉન્ડર હતો.
શુક્રવારે તે ટીમ માટે રમી રહ્યો હતો. તેણે આગળ જણાવ્યુ- અમે સામાન્ય રીતે ટેનિસ બોલની સાથે 16 ઓવરની મેચ રમીએ છીએ. શુક્રવારે તેણે બેટિંગ અને બોલિંગ કરી. મેદાન પર પોઝીશન લેતી વખતે તે અચાનક નીચે પડી ગયો. જે બાદ તેને તરત જ મિસ્ફાહની નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો પણ કમનસીબે તે બંધ હોવાથી ગુભરાની મોટી હોસ્પિટલમાં લઈ જવો પડ્યો.
જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. આગળ તેણે કહ્યું કે અમારી પાસે CPR વિશે વધુ માહિતી નહોતી. તેમને એવું લાગ્યુ હતુ કે તેને ચક્કર આવી રહ્યા છે અને તેને કારણે તે પડી ગયો હશે તે વિચારી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, ધનેશ ગાલ્ફાર એન્જિનિયરિંગ અને કોન્ટ્રાક્ટિંગ કંપનીના રેડિમિક્સ વિભાગમાં કામ કરતો હતો.