હવે બાળકો પર પણ કોરોના કાળ: બાળકોનો જીવ લઇ રહ્યો છે કોરોના, અમદાવાદમાં 2 વર્ષની બાળકી સહીત 3 બાળકોના મોત, આટલા બાળકો સારવાર હેઠળ

કોરોનાનો પ્રકોપ દેશભરમાં વધી રહ્યો છે અને તેની બીજી લહેર તો કોહરામ મચાવી રહી છે. ત્યારે આ બીજી લહેરમાં હવે બેકાબુ બનતો કોરોના નાના બાળકોને પણ પોતાનો ભોગ બનાવી રહ્યો છે.

અમદાવાદ સિવિલમાં ત્રણ બાળકોનાં મોત થયા છે. હાલ સિવિલ હોસ્પિટલમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં 11 બાળકો સારવાર લઇ રહ્યા છે. જેમાં બે બાળકો ગંભીર હાલતમાં છે. આ સમગ્ર સ્થિતિ અતિથી અતિ ગંભીર થઈ શકે છે.

બીજી તરફ સિવિલના નિષ્ણાત ડોક્ટર કહી રહ્યા છે કે બાળકોમાં કોરોનાની હવે ગંભીર અસર પણ થઈ રહી છે. જેમાં અચાનક લોહીનું ભ્રમણ રોકાઈ જવું તેમજ રેસ્પીરેટરી સિસ્ટમને અસર થઈ રહી છે.

દિવ્યભાસ્કર મીડિયા સાથેની વાતચીતમાં સિવિલ હોસ્પિટલમાં આસીસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ચારુલ મહેતા જણાવ્યુ કે, “ચાંદલોડિયા વિસ્તારના 8 વર્ષીય બાળકનું મોત 5 એપ્રિલના રોજ થયું હતું. મેમનગર સ્થિત જનકપુરી વિસ્તારમાં રહેતી 7 વર્ષીય બાળકીનું મોત 3 એપ્રિલના રોજ થયું. અમરાઈવાડી વિસ્તારની બે વર્ષની બાળકીનું 23 માર્ચના રોજ થયું હતું મોત થયું હતું.”

બીજી તરફ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં પણ ચારુલ મેહતાએ એમ પણ જણાવ્યું કે, “બાળકોમાં ભૂખ ઓછી થઈ જવી, ચીડિયાં પણું, ઝાડા-ઉલટી પણ કોરોનાનાં લક્ષણો છે. જેમાં ઘણી વખત બાળકોમાં લક્ષણો ન હોય અને અન્યના સપર્કમાં આવે તો તે સુપર સ્પ્રેડર બની શકે છે. તેની સાથે બાળકો માતા-પિતાને ફોલો કરતા હોય છે. જેથી પેરેન્ટ્સ જ બાળકોમાં કોરોના પ્રોટોકોલ સમજાવે અને તે પ્રમાણે ઘરમાં અનુસરે તો બાળકોમાં સમસ્યા અંકુશમાં રાખી શકાય છે.”

ત્યારે આજે સુરતમાં એક 13 વર્ષનું બાળક પણ કોરોના સામેની જંગ હારી ગયું અને તેને પોતાના જીવથી હાથ ધોવા પડ્યા છે. આ બાળકમાં કોરોનાના કોઈ લક્ષણો જોવા મળ્યા નહોતા, તે છતાં પણ તે કોરોના સંક્રમિત હતો અને સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે.

સુરતના મોટા વરાછામાં આવેલ ભવાની હાઈટ્સમાં રહેતા ભાવેશભાઈ કોરાટ જે એમ્બ્રોડરી મશીનનું કારખાનું ચલાવે છે તેમનો 13 વર્ષીય દીકરા ધ્રુવની તબિયત રવિવારના રોજ ખરાબ થઇ હતી. ધ્રુવને શ્વાસ લેવામાં તકલીફ પડવાના કારણે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેનો રેપિડ એન્ટિજન ટેસ્ટ કરવામ આવ્યો હતો જે પોઝિટિવ આવતા પરિવાર પણ ચિંતામાં આવી ગયો હતો.

ધ્રુવ પોઝિટિવ આવતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ભરતી પણ કરવામાં આવ્યો હતો, પરંતુ પાંચ જ કલાકની સારવાર બાદ ધ્રુવ કોરોના સામે હારી ગયો હતો અને તેનું પ્રાણ પંખેરું સારવાર દરમિયાન ઉડી ગયું હતું.

સાભાર: (દિવ્યભાસ્કર)

Niraj Patel