પાવાગઢ પાસે પાર્ક કરેલી કારમાંથી મળ્યો પ્રેમી-પ્રેમિકાનો મૃતદેહ, પરિવાર આઘાતમાં…જુઓ તસવીરો

પ્રેમી પંખીડાની આત્મહત્યાનો મામલો: પાવાગઢ પાસે કારમાં આત્મહત્યા કરનાર પ્રેમી પંખીડાનું પેનલ પોસ્ટમોર્ટમ કરાયું

પાવાગઢની તળેટીમાં આવેલ જીપ પાર્કિંગ વિસ્તારમાં એક ઇનોવા કારની વચ્ચેની સીટ પરથી યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, આ કાર છેલ્લા બે દિવસથી એક જ જગ્યાએ ઉભી હતી અને તેનું એન્જિન તથા એસી ચાલુ સ્થિતિમાં હતાં. સ્થાનિકોને શંકા જતા તેમણે પાવાગઢ પોલીસને જાણ કરી હતી.પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. કારના દરવાજા લોક હતા અને ગ્લાસ બ્લેક હોવાના કારણે અંદર જોયું ન જઈ શક્યું.

ટેક્નિશિયનની મદદથી કાર અનલોક કર્યા બાદ, વચ્ચેની સીટ પર યુવક અને યુવતીના મૃતદેહ મળી આવ્યા હતા. જેથી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો અને મૃતદેહોને હાલોલની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ યુવક-યુવતી હિંમતનગરના આકોદ્રા ગામના હોવાનું બહાર આવ્યું છે. યુવકનું નામ આઝાદસિંહ રહેવર (ઉમર 23) અને યુવતીનું નામ શ્રેયા પ્રજાપતિ (ઉમર 21) હોવાનું જાણવા મળ્યું છે. બંનેએ ઘરેથી ભાગી જવાની ઘટનાઓ અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની માહિતી પણ સામે આવી છે.

તબીબી રિપોર્ટ પહેલાં આપઘાતનું ચોક્કસ કારણ કહી શકાય નહીં, પરંતુ ઝેરી પદાર્થના સેવનની આશંકા નકારી શકાય તેમ નથી. આઝાદસિંહના કાકા વિજયસિંહે જણાવ્યુ હતું કે 26 જૂનના રોજ સાંજે પાંચ વાગ્યા પછી આઝાદ અને શ્રેયા અચાનક ગાયબ થયા હતા. પરિવારજનોએ તેમની શોધખોળ શરૂ કરી હતી, પણ કશું હાથ ન લાગતા હતા. ત્યારબાદ પાવાગઢ પોલીસનો ફોન આવતા તેઓ ત્યાં પહોંચી ગયા હતા.

આઝાદસિંહ તેમના માતા-પિતાનો એકમાત્ર દીકરો અને પેઢીનો વારસદાર હતો. તે કાર વોશ, હોટેલ અને પાણીના પ્લાન્ટના વ્યવસાયમાં સંકળાયેલો હતો. તેની અચાનક વિદાયથી પરિવાર અને બે બહેનો પર આભ તૂટી પડ્યું છે. શ્રેયા પણ તેના માતા-પિતાની એક જ દીકરી હતી અને પરિવારની લાડકવાયી હતી. તેમના નિધનથી બંને પરિવારોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.હજુ મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ ખુલાસો થશે, તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Shah Jina
error: Unable To Copy Protected Content!