એક્ટર અલ્લુ અર્જુનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લઇ રહી. પુષ્પા 2ના રીલિઝ દિવસે સંધ્યા થિયેટરમાં મચેલી નાસભાગ મામલે એક મહિલાનું મોત થયુ હતુ અને તેનો નાનકડો માસૂમ દીકરો ઘાયલ થયો હતો જેને લઇને વિવાદ હજુ પણ ચાલુ છે, ત્યારે આ દરમિયાન વધુ એક મુશ્કેલીમાં અલ્લુ અર્જુન ફસાયો છે.
ફિલ્મના એક સીનને લઈને અલ્લુ અર્જુન અને ‘પુષ્પા 2: ધ રૂલ’ના નિર્માતા અને નિર્દેશક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા અને તેલંગાણાના એમએલસી થીનમાર મલ્લન્નાએ ડાયરેક્ટર સુકુમાર અને અભિનેતા અલ્લુ અર્જુન તેમજ પ્રોડક્શન ટીમ સામે કડક કાર્યવાહીની માંગ કરતી ફરિયાદ દાખલ કરી હતી.
ફરિયાદમાં થીનમારે ‘પુષ્પા 2’ના એક સીન સામે વાંધો ઉઠાવ્યો છે, જેમાં ‘પુષ્પા’ પોલીસ અધિકારીની હાજરીમાં સ્વિમિંગ પૂલમાં પેશાબ કરતો બતાવવામાં આવ્યો છે. કોંગ્રેસના નેતાએ આ સીનને અપમાનજનક અને લો એનફોર્સમેન્ટના અધિકારીઓની ગરિમાને ઠેસ પહોંચાડવા વાળો બતાવ્યો. પોતાની ફરિયાદમાં તેમણે ફિલ્મના નિર્દેશક સુકુમાર અને એક્ટર અલ્લુ અર્જુન તેમજ ફિલ્મના નિર્માતાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.
તેમણે અધિકારીઓને વાંધાજનક રીતે પોલીસ પાત્રોનું શૂટિંગ રોકવા માટે કડક પગલાં લેવાની માંગ કરી છે. આ મામલો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ અંગેની ચર્ચાએ જોર પકડ્યું છે, જ્યાં કેટલાક લોકો મલ્લન્નાના આરોપોનું સમર્થન કરી રહ્યા છે તો કેટલાક તેને સિનેમાની અભિવ્યક્તિની સ્વતંત્રતા વિરુદ્ધ ગણાવી રહ્યા છે.