લગ્નમાંથી પાછા આવતા હતા અને એક જ પરિવારના 5 લોકોની બળી જવાને કારણે થઇ દર્દનાક મૃત્યુ, જેણે જોયું તે ચીસો પાડવા લાગ્યા

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી અવાર નવાર અકસ્માતના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા અકસ્માતોમાં આખો પરિવાર હોમાઇ જતો હોય છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક માર્ગ અકસ્માતમાં પરિવારના 5 લોકોના મોત થયા છે. પુલ સાથે અથડાયા બાદ કારમાં આગ લાગતા પાંચ લોકો જીવતા ભડથુ થઇ ગયા હતા. અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. ત્રણ પુત્રીઓ સાથે પતિ-પત્ની લગ્ન સમારોહમાંથી પરત ઘરે જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં તેમનો અકસ્માત થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત ગુરુવાર-શુક્રવારની રાત્રે 1 થી 2 વાગ્યાની વચ્ચે થયો હતો. રાજનાંદગાંવ ખૈરાગઢ રોડ પર થેલકાડીહ પોલીસ સ્ટેશન હેઠળના સિંગરપુર ગામમાં કારમાં આગ લાગવાથી પાંચ લોકોના મોત થયા છે. ખૈરાગઢના ગોલબજારના રહેવાસી કોચર પરિવારના લોકો બાલોદથી લગ્ન સમારોહમાં હાજરી આપીને પરત ફરી રહ્યા હતા. મૃતકોમાં પતિ પત્ની અને ત્રણ 20 થી 25 વર્ષની પુત્રીઓનો સમાવેશ થાય છે.

રાત્રે ઘટનાની માહિતી મળતા જ પોલિસ ઘટનાસ્થળે પહોંચી હતી. રાજનાંદગાંવના અધિક પોલીસ અધિક્ષકે જણાવ્યું કે પોલીસ અને ફોરેન્સિક ટીમ ઘટનાની તપાસમાં લાગેલી છે. પંચનામા બાદ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. ફોરેન્સિક તપાસ રિપોર્ટ આવ્યા બાદ જ અકસ્માતનું સાચું કારણ જાણી શકાશે.

છત્તીસગઢના રાજનાંદગાંવ જિલ્લામાંથી આ કિસ્સો સામે આવ્યો છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે રાજનાંદગાંવના સિંગરપુર નજીક અકસ્માતમાં પાંચ લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ખૈરાગઢના કોચર પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

Shah Jina