રવિવારની સવાર કાળ બનીને ત્રાટકી:પીપળી-વટામણ હાઈવે પર ટ્રકે કારને અડફેટે લેતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો, 3નાં ઘટનાસ્થળે જ મોત
ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતની ઘટના સામે આવે છે જેમાં કેટલાય લોકો મોતને ભેટતા હોય છે. ત્યારે હાલમાં વટામણ પીપળી હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં 3 લોકોના મોત થયા હોવાની ખબર છે. કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 7 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માતની ઘટના ભોળાદ ગામના પાટિયા પાસે બની હતી.
અકસ્માતને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા હતા અને સાત લોકો ગંભીર ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આ અકસ્માત 14 તારીખે સવારે 6 વાગ્યાના અરસામાં થયો હતો, જેમાં કારનો કચ્ચરઘાણ નીકળો ગયો હતો.
જે સાત લોકો ઘાયલ છે તેમાંથી બે વ્યક્તિની હાલત ગંભીર છે. અકસ્માતને કારણે પીપળી, વટામણ, ફેદરા, ધંધુકા એમ ચાર જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે વહેલી સવારે અકસ્માતને પગલે હાઇવે મોતની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો.