ભરૂચમાં સંભળાઈ મોતની ચિચિયારીઓ, એક જ પરિવારના 6 લોકો દબાઈ ગયા, 3 માસુમ બાળકોના મોત, માતા પિતા….

દેશભરમાં ઘણી દુર્ઘટનાઓની ખબર આવતી રહે છે, ગુજરાતમાં પણ છેલ્લા ઘણા સમયથી ઘણી જ દુર્ઘટનાઓની ખબર આવી છે, ઘણા લોકો રોડ દુર્ઘટનામાં પોતાના જીવ ગુમાવતા હોય છે. તો ઘણીવાર મકાન ધરાશયી થવાની પણ દુર્ઘટના સર્જાતી હોય છે અને તેમાં ઊંઘમાં જ લોકો મોતને પણ ભેટતા હોય છે.

આવી જ એક ઘટના ગત રોજ ભરૂચમાંથી સામે આવી હતી, જ્યાં એક પરિવાર રાત્રે શાંતિની ઊંઘ માણી રહ્યો હતો ત્યારે જ તેમનું મકાન ધડામ કરતું ઢસડાઈ પડ્યું હતું અને તેમાં આખો જ પરિવાર કાટમાળ નીચે દબાઈ ગયો હતો. આ દુર્ઘટના એટલી ભયાનક હતી મકાન પડવાનો અવાજ સાંભળીને આસપાસના લોકો પણ પણ દોડી આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરમાં આવેલા  બંબાખાનાના વિસ્તારના કુંભારિયા ઢોળાવમાં એક મકાન ધરાશાયી થયું હતું, જેમાં ઊંઘમાં જ આખો પરિવાર કાટમાળમાં દબાયો હતો. આ ગોઝારી દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હતા, જ્યારે પરિવારના અન્ય સભ્યો સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ મામલામાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.સ્થાનિક અને ફાયર બ્રિગેડ દ્વારા કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં દંપતી ગંભીર રીતે ઘાયલ થયું હોવાના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ દુર્ઘટનામાં પરિવારના માસુમ બાળકો જેમાં 10 વર્ષીય નિશા કિશોરભાઈ સોલંકી, પ્રિન્સ કિશોરભાઈ સોલંકી અને અંજના કિશોરભાઈ સોલંકીના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. એક જ પરિવારના ત્રણ માસુમ બાળકોના મોતના કારણે સમગ્ર પંથકમાં પણ શોકનો માહોલ ફરી વળ્યો હતો.

Niraj Patel