ભારતીય કપલ દ્વારા મેટાવર્સમાં એશિયાના પ્રથમ ડિજિટલ વેડિંગ રિસેપ્શનનું આયોજન કર્યું, જુઓ કેવું હતું વર્ચ્યુઅલ ડિજિટલ વેડિંગ રિસેપ્શન

દેશભરમાં હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, પરંતુ કોરોનાના કારણે લગ્નમાં કેટલાક નિયમો પણ લાદવામાં આવ્યા છે, જેના કારણે નિશ્ચિત સંખ્યામાં જ મહેમાનો લગ્નની અંદર ઉપસ્થિત થઇ શકે છે. જેના કારણે લોકોએ લગ્નમાં વધુ લોકો જોડાઈ શકે તે માટે થઈને આધુનિક તકનીકનો પણ સહારો લીધો છે અને ઘણા મહેમાનો ઓનલાઇન જ લગ્નમાં હાજરી આપે છે અને વર-કન્યાને આશીર્વાદ આપતા હોય છે.

ત્યારે હાલમાં એક હાઈટેક લગ્નની ચર્ચાઓ ખુબ જ ચાલી રહી છે. તમિલનાડુના એક વર અને કન્યાએ રવિવારે ભારતનું પ્રથમ લગ્નનું રિસેપ્શન મેટાવર્સ ખાતે યોજ્યું, જે એકબીજા સાથે જોડાયેલા 3D વર્ચ્યુઅલ વિશ્વનું ઓનલાઈન બ્રહ્માંડ છે.

ટેક્નોલોજી અને પરંપરાને એકસાથે લાવતા, દિનેશ એસપી અને જગનંદીની રામાસ્વામીએ 6 ફેબ્રુઆરીએ તમિલનાડુના શિવલિંગપુરમ ગામમાં લગ્ન કર્યા. બંને હેરી પોટરના દિવાના છે, જેના કારણે તેમને પોટરહેડ્સ કહેવામાં આવે છે. તેઓએ મેટાવર્સ ખાતે હોગવર્ટ્સ-થીમ આધારિત વેડિંગ રિસેપ્શન કર્યું હતું.

દિનેશ સોફ્ટવેર ડેવલપર છે, બ્લોકચેન અને NFT ઉત્સાહી છે, જ્યારે જગનંદિની એન્જિનિયર છે. ટેર્ડિવર્સ નામના ટેક સ્ટાર્ટ-અપની મદદથી આ દંપતીએ સ્વાગત માટે હોગવર્ટ્સ-થીમ આધારિત મેટાવર્સ સેટ કર્યું. આ યુગલના વર્ચ્યુઅલ અવતાર મેટાવર્સ વેન્યુ પર મહેમાનોને મળ્યા, આ ઇવેન્ટની અધ્યક્ષતા કન્યાના સ્વર્ગસ્થ પિતાના અવતાર દ્વારા કરવામાં આવી હતી. આ દંપતીએ વિશ્વભરના મિત્રો અને પરિવારજનોને નોન-ફંગિબલ ટોકન્સ (NFTs)ના રૂપમાં આમંત્રણો પણ મોકલ્યા હતા.

મેટાવર્સ વેડિંગ રિસેપ્શનની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે યૂઝર્સને આશ્ચર્યચકિત કરી રહ્યા છે. વીડિયોમાંથી એક મ્યુઝિકલ કોન્સર્ટ પણ છે જે ચેન્નાઈથી મેટાવર્સ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

મીડિયા સાથે વાત કરતા દિનેશે કહ્યું, ‘હું છેલ્લા કેટલાક વર્ષોથી બ્લોકચેન, એનએફટી અને ટેકનોલોજીમાં છું. હું હંમેશા અનન્ય કરવાનો પ્રયાસ કરું છું અને હું મારા જીવનની ઘટનાને યાદગાર બનાવવા માંગતો હતો. એક ટેક્નિકલ વિશેષજ્ઞના રૂપમાં અમે હંમેશા સમસ્યાઓને જોઈએ છીએ અને પ્રોગ્રામિંગ ભાષાઓના માધ્યમથી સંભવતી સમાધાન પણ જોઈએ છીએ.

આવા લગ્નનો વિચાર તમિલનાડુમાં કોવિડ-19 પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા બાદ આવ્યો હતો. દિનેશે વધુમાં ઉમેર્યું હતું કે કોવિડ-19 રોગચાળાને કારણે મારે મારા લગ્ન અને રિસેપ્શન માટે મિત્રો અને પરિવારની સંખ્યા 100 સુધી મર્યાદિત કરવી પડી હતી. તેથી, મેં લોકોના નાના જૂથની હાજરીમાં મારા લગ્ન શિવલિંગપુરમમાં ઉજવવાનું નક્કી કર્યું અને મેટાવર્સ પર તેનું આયોજન કર્યું.

Niraj Patel