યાત્રાધામ અંબાજી ફરી એકવાર વિવાદમાં ! ડ્રેસ પર સાડી પહેરાવી મહિલાને ગર્ભગૃહ સુધી લઇ જવાઇ

છેલ્લા કેટલાક સમયથી યાત્રાધામ અંબાજી ઘણુ ચર્ચામાં છે. ત્યારે હાલમાં જ મંદિરના વહિવટદાર દ્વારા મંદિરમાં VIP દર્શનની કોઈ વ્યવસ્થા ન હોવાનો દાવો કર્યો હતો અને કોંગ્રેસના આક્ષેપને ખોટા ગણાવ્યા હતા. જો કે, અંબાજી મંદિરમાં VIP દર્શન મુદ્દે ફરી વિવાદ સામે આવ્યો છે. મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના ગર્ભગૃહમાં જઇ થતાં દર્શન બંધ કરાવ્યા છે.

પરંતુ ગુરુવારે એક મહિલાએ ગર્ભગૃહમાં જઇ દર્શન કરતાં વિવાદ શરૂ થયો છે. અધિકારીઓએ VIP દર્શન કરાવવા કોઇ જુગાડ કર્યો હોય તેવું અનુમાન લગાવાઇ રહ્યુ છે. આ ઉપરાંત મહિલાએ ડ્રેસ પર સાડી પહેરી દર્શન કર્યા હોય તેવો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. પંજાબી ડ્રેસ પર સાડી પહેરાવી મહિલાને પ્રવેશ અપાયો હોવાનું કહેવાઇ રહ્યુ છે.

ત્યારે હવે અંબાજીમાં VIP દર્શનને લઇ ફરી વિવાદ વકરે તેવી સ્થિતી સર્જાઈ છે. જણાવી દઇએ કે, આ પહેલા પણ મંદિરના વહીવટી તંત્ર પર VIP દર્શનને લઈ આક્ષેપ કરાયો હતો. મંદિરના પાછળના ભાગેથી VIP ભક્તોને એન્ટ્રી અપાતી હતી. ત્યારે વીટીવી ન્યુઝના અહેવાલ અનુસાર, માતાજીના ગર્ભગૃહમાં જીન્સ અને ટીશર્ટ પહેરીને કેટલીક મહિલાઓ દર્શન કરતી જોવા મળી હતી,

અહેવાલ અનુસાર, તેઓ 5 હજાર આપી દર્શન કરવા ગર્ભગૃહમાં પ્રવેશ્યા હતા તેવો દાવો થઈ રહ્યો હતો. અંબાજી મંદિરમાં 5 હજારમાં VIP દર્શન થતાં હોવાનો કોંગ્રેસ પ્રવક્તાએ દાવો કર્યો હતો, જો કે વહીવટદારે તેમને ખોટા સાબિત કર્યા હતા અને કહ્યુ હતુ કે દિવ્યાંગો અને વૃદ્ધ માતા-પિતાને આ રીતે દર્શન કરાવવામાં આવે છે. પરંતુ એકપણ દિવ્યાંગ કે વૃદ્ધ ત્યાં જોવા મળ્યા ન હતા.

Shah Jina