થોડા દિવસો પહેલા લોકપ્રિય સિટકોમ શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા”નો પ્રોમો સામે આવ્યો હતો. જેના પરથી એવો સંકેત મળ્યો હતો કે દયાબેન શોમાં પરત ફરવાના છે.આ પ્રોમો જોયા પછી તો ચાહકોની ખુશીનો કોઈ ઠેકાણુ જ નહોતુ. પરંતુ હવે ચાહકોની ખુશીઓ પર પાણી ફેરવાઇ ગયુ છે. દયાબેન હાલ શોમાં પાછા આવવાના નથી. આ પહેલા બતાવવામાં આવ્યું હતું કે સુંદર દયાબેન સાથે મુંબઈ આવવાનો છે. જેઠાલાલની ખુશીનો કોઇ પાર ન હતો. ત્યારે શોમાં હાલના જ એપિસોડમાં એવું બતાવવામાં આવ્યુ કે સુંદરલાલ અને દયાબેનની માતા એટલે કે જેઠાલાલની સાસુએ દયાને મુંબઇ આવવા દીધી નહિ, કારણ ક મૂહુર્ત સારુ ન હતુ.
સુંદરલાલ દયાબેનને બદલે તેમનું પૂતળુ લઇને ગોકુલધામ પહોંચે છે. જો કે, શોમાં બતાવવામાં આવ્યુ કે જેઠાલાલ સુંદરલાલને 2 મહિનામાં દયાબેનને મુંબઈ લાવવાનું અલ્ટીમેટમ આપે છે. સુંદરની આ વાત જેઠાલાલને ગમતી નથી. તે સુંદરને કહે છે – આ મહિના ઘણા લાંબા છે. તારી પણ નહીં, મારી પણ નહીં, સાસુ-સસરાની પણ નહીં. બે મહિના. હું બે મહિનાનો સમય આપું છું જો બે મહિનામાં દયા મુંબઈ નહીં આવે તો હું અન્ન-પાણી છોડી દઈશ. જેઠાલાલની આ વાત સાંભળીને ત્યાં હાજર ગોકુલધામ સોસાયટીના લોકો આશ્વર્યમાં મૂકાઇ જાય છે. જે બાદ તારક મહેતાના ચાહકો ગુસ્સે થઈ ગયા છે.
લોકો કહે છે કે મેકર્સ ચાહકોની ભાવનાઓ સાથે રમત રમી રહ્યા છે. દયાબેન 2 મહિનામાં પણ નહીં આવે. જો કે, તમને જણાવી દઇએ કે, હાલમાં નવી દયાબેનની શોધ ચાલી રહી છે અને ચેના માટે ઓડિશન ચાલી રહ્યા છે. ત્યારે હવે શોના નિર્માતા આસિત મોદીએ ટ્રોલિંગ પર પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, ‘હવે વાત વાર્તાની છે. અમે દરેક વસ્તુ પર કામ કરી રહ્યા છીએ, પરંતુ તેમાં થોડો સમય લાગશે. હું સંમત છું કે લોકો શો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. હું ચાહકો વિશે વિચારું છું જેઓ આ શો વિશે ઓનલાઈન ટિપ્પણી કરે છે.
અમે તેના વિચારોનું સન્માન કરીએ છીએ. જો કે અમે ચોક્કસપણે ઈચ્છીએ છીએ કે દિશા વાકાણી દયાના રોલમાં પાછી આવે. પરંતુ બીજા બાળકના કારણે તેના માટે શોમાં પરત આવવું શક્ય નથી. તેથી જ અમે દયાબેનના રોલ માટે ઓડિશન પણ લઈ રહ્યા છીએ. દયાબેનને પાછા લાવવાના અમારા પ્રયાસો ચાલુ છે.’ આસિત મોદી વધુમાં કહે છે કે, આવતા થોડા મહિનામાં દયાભાભી શોમાં જોવા મળશે, તેમની સાથે તમે બીજા ઘણાને જોશો. અમે રાતોરાત દયાબેનને લાવી શકતા નથી કારણ કે તે ઘણા સમયથી શોમાંથી ગાયબ છે. તેમના પાત્ર માટે રી એન્ટ્રીની જબરદસ્ત તૈયારી કરવી પડશે.
જો દિશા વાકાણી શોમાં આવશે તો તે અદ્ભુત હશે કારણ કે તે અમારા માટે પરિવાર જેવી છે. દિશા વાકાણી વિશે વાત કરીએ તો, તે વર્ષ 2008થી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરી રહી હતી. તેણે સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લીવ લીધી હતી અને ત્યારબાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે તે 5 મહિના પછી શોમાં પરત ફરશે. તેણે નવેમ્બર 2017માં દિશાએ એક પુત્રીને જન્મ આપ્યો હતો. તેના શોમાંથી લિવ લીધાને 5 વર્ષ થઈ ગયા છે. પરંતુ તે હજી સુધી પરત આવી નથી. આ ઉપરાંત એવી પણ ખબર સામે આવી છે કે તેણે એક પુત્રને પણ હાલમાં જન્મ આપ્યો છે. જો કે, હવે પુત્રના જન્મ બાદ દિશા વાકાણીનું શોમાં પર આવવું ઘણુ મશ્કેલ લાગી રહ્યુ છે.