અમદાવાદમાં પતિના ત્રાસે વધુ એક આયશાનો જીવ લઇ લીધો, 4 બાળકોની માતાએ કર્યો આપઘાત, ઘટના જાણીને રૂંવાડા ઉભા થઇ જશે

ગુજરાતમાં આપઘાતની ઘણી ઘટનાઓ સતત સામે આવી રહી છે, ઘણા લોકો આર્થિક તંગીના કારણે પોતાનું જીવન ટૂંકાવી લેતા હોય છે, તો ઘણી મહિલાઓ સાસરિયાના ત્રાસથી મોતને વહાલું કરવાનો વિચાર કરતી હોય છે. થોડા સમય પહેલા જ આયશા નામની એક પરણીતાએ પતિના ત્રાસથી જીવન ટૂંકાવી લીધું હતું, આ ઘટનાએ આખા દેશમાં હાહાકાર મચાવ્યો હતો ત્યારે અમદાવાદમાં વધુ એક મહિલાએ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં 12 વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરનારી મહિલાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ મહિલાને ચાર સંતાનો હતા અને તેને પતિના ત્રાસથી ગળે ટુંપો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લેવાનો અગાઉ પણ પ્રયત્ન કર્યો હતો, પરંતુ બાળકોની ચિતાના કારણે તે આ પગલું ભરતા અચકાઈ હતી.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર સમીમબાનુ નામની 30 વર્ષીય મહિલાએ બારેક વર્ષ પહેલા વટવામાં રહેતા અબ્દુલ માજીદ અન્સારી નામના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેમને ચાર સંતાનો પણ છે, જેમાં ત્રણ દીકરાઓ અને એક દીકરી છે. સમિમે પ્રેમ લગ્ન કર્યા હોવાના કારણે તેના પિયરજનો પણ તેને શરૂઆતમાં બોલાવતા નહોતા.

પરંતુ જયારે લગ્નના એકાદ વર્ષ બાદ તેને એક દીકરીને જન્મ આપ્યો તેના બાદ પિયરજનોએ તેને બોલાવવાનું શરૂ કર્યું હતું. લગ્નના ચાર વર્ષ સુધી તેના પતિએ પણ તેને સારી રીતે રાખી પરંતુ ચાર વર્ષ બાદ તેના પતિએ પણ ઝઘડા અને મારઝૂડ કરવાનું શરૂ કરી દીધું. તેનો પતિ તેને માનસિક અને શારીરિક ત્રાસ વારંવાર આપવા લાગ્યો.

પતિના ત્રાસથી કંટાળીને સમીમ પોતાના પિયર પણ આવી ગઈ હતી, પરંતુ દીકરીનો સંસાર ના બગડે અને સંતાનો રઝળતા ના થાય તે માટે થઈને તેના પિયરજનોએ પણ તેને સમજાવીને તેના સાસરે પરત મોકલી હતી. પરંતુ સમીમબાનુનો પતિ તેને વાયર અને પટ્ટાથી માર પણ મારતો હતો. જેથી સમીમબાનુએ વટવા પોલીસસ્ટેશનમાં અરજી કરી હતી. ત્યારબાદ તેનો પતિ આવ્યો અને ચાલ તને છૂટાછેડા અપાઈ દવું કહીને લઈ ગયો હતો.

સમીમબાનુને તેનો પતિ પિયરમાં જવા દેતો નહિ જેથી તે છુપાઈને પિયરજનોને મળવા જતી હતી. સમીમબાનુએ પરિવારજનોને એવું પણ જણાવ્યું હતું કે તેનો પતિ કોઈ અજાણી સ્ત્રી સાથે વાત કરે છે અને પૂછે તો તેને મારે છે. તેનો પતિ તેને કોઈ એવી દવા આપતો જેથી તેને કંઈ પણ યાદ પણ રહેતું નહોતું અને સતત માથામાં દુખાવો થયા કરતો હતો. આખરે કંટાળીને તેને ગળે ટુંપો ખાઈને આપઘાત કરવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ ના કરી શકી.

આખરે તે 6 તારીખના રોજ ઘરેથી શાક લેવાનું કહી નીકળી હતી પણ ઘરે પરત ન આવતા તેની શોધખોળ હાથ ધરી હતી. વોટ્સએપ મારફતે એક મહિલાની લાશ નદીમાંથી મળી હોવાનું જણાવતા તમામ લોકો ત્યાં પહોંચ્યા ત્યારે લાશ સમીમબાનુની હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે સમગ્ર મામલે મૃતક સમીમબાનુના પતિ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી અટકાયત કરી છે.

Niraj Patel