જયપુર અગ્નિકાંડ જેવી જ ઘટના ગુજરાતમાં બની છે. અમદાવાદ-રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બાવળા-બગોદરા પાસે ભમાસરા ગામ નજીક ટ્રકનું ટાયર ફાટ્યા બાદ ચાર વાહનો અથડાયા હતા. વાહનોની ટક્કર બાદ જોરદાર બ્લાસ્ટ થતા ભયંકર આગ લાગી હતી. જેમાં બે લોકોના મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય ત્રણ લોકોની હાલત ગંભીર છે.
ટ્રકનું ટાયર ફાટતાં સર્જાયો અકસ્માત
મળતી માહિતી મુજબ, બાવળા-બગોદરા હાઇવે પર ભમાસરા ગામ નજીક કાપડ ભરેલી ટ્રકનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતાં ટ્રક અન્ય ટ્રક સાથે અથડાઈ હતી. આ ટક્કરમાં અન્ય બે વાહનો પણ ભોગ બન્યા હતા. ટક્કર થયા બાદ બ્લાસ્ટ થતાં વાહનોમાં આગ લાગી હતી. ભયંકર અવાજ સંભળાતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસ તથા ફાયર વિભાગને જાણ કરી હતી.
અકસ્માત બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું
અકસ્માત બાદ આગની ઘટના બની હોવાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે આગમાં વાહનો બળીને ખાખ થઇ ગયા હતા. અકસ્માતની આ ઘટનામાં ટ્રક ચાલક કમલભાઈ અને અન્ય એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો
અકસ્માત મોડી રાત્રે થયો હતો. અકસ્માતના પગલે કલાકો સુધી ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. મળતી વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલી ટ્રક ચોટીલાના રણછોડભાઈ રબારીની કંપનીની હતી. જૂનો ડ્રાઇવર રજા પર હોવાથી કમલભાઈ નામના ડ્રાઇવરને ટ્રક લઇને મોકલ્યો હતો. તે જ સમયે અકસ્માતનો બનાવ બન્યો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.