આબુરોડ: જે ગામમાં વરરાજાની જાન આવવાની હતી એ જ ગામમાં વરરાજાનું અકસ્માતમાં થયુ મોત, પરિવાર સહિત સમગ્ર ગામમાં ફેલાઇ ગમગીની

ગુજરાતમાંથી છાસવારે અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવે છે. અકસ્માતને કારણે ઘણા લોકોના દર્દનાક મોત પણ થતા હોય છે, તો ઘણા ગંભીર રીતે ઘાયલ પણ થતા હોય છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે ઘરમાં કોઇ ખુશીનો અથવા લગ્નનો પ્રસંગ હોય ત્યારે અકસ્માતને કારણે કોઇના મોત થતા પરિવારમાં ગમગીની છવાઇ જતી હોય છે. ત્યારે હાલમાં પણ આવો જ એક કિસ્સો આબુરોડના ચંદ્રાવતી બ્રિજ પરથી સામે આવ્યો છે, જેમાં મંગળવારના રોજ એક અજાણ્યા વાહનની ટક્કરને કારણે બે યુવકોના મોત નિપજ્યા હતા. આ બે યુવકોમાંથી એકના તો લગ્ન હતા અને લગ્નની કંકોત્રી આપવા વરરાજા અને તેનો પિતરાઇ ભાઇ બંને જતા હતા ત્યારે પરત ફરતી વખતે આ અકસ્માત નડ્યો હતો અને પરિવારમાં ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો.

ઘટનાની વિગત તપાસીએ તો, આબુરોડના માવલ ગામના રહેવાસી શંકરભાઈ કે જેની ઉંમર 22 વર્ષ છે તે બાઇક પર તેમના પિતરાઇ ભાઇ એટલે કે ફોઇના દીકરા સાથે પોતાના લગ્નની કંકોત્રી વહેંચીને મોડી રાત્રે પરત પોતાના ઘરે જઇ રહ્યા હતા. ત્યારે આબુરોડના ચંદ્રાવતી બ્રિજ પર પાછળથી આવી રહેલ એક અજાણ્યા વાહને ટક્કર મારતાં બંનેના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. મૃતક વરરાજા બ્રિજની નીચે પટકાયો હતો, જ્યારે તેનો પિતરાઇ ભાઇનો મૃતદેહ બ્રિજ પર લટકાઇ ગયો. અકસ્માતના પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા અને તે બાદ આબુરોડ રિકો પોલીસને જાણ કરવામાં આવી હતી.

પોલીસને જાણ થતા જ તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તે બાદ બંનેની લાશને પીએમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. શંકરના લગ્ન ચંદ્રાવતી ગામમાં નક્કી કર્યા હતા. 11 ફેબ્રુઆપીના રોજ  જાન ચંદ્રાવતી ગામમાં આવવાની હતી. લગ્નના ત્રણ દિવસ પહેલા જે ગામમાં વરરાજાની જાન આવવાની હતી તે જ ગામમાં તેનું અકસ્માતમાં મોત નીપજતાં સમગ્ર પંથકમાં ગમગીની ફેલાઈ હતી.શંકરનો જે પિતરાઇ ભાઇ હતો તે વિધવા મહિલાનો એકનો એક દીકરો હતો અને આવી રીતે દીકરાનું અકસ્માતમાં મોત થતા પરિવારના માથે તો આભ તૂટી પડ્યુ હતુ.

Shah Jina