23 ની ઉંમરમાં 25 પુરુષો સાથે લગ્ન… ગબ્બર પણ ના બચ્યો તો કોન્સ્ટેબલ બન્યો દુલ્હો- હલાવી દેશે આ દુલ્હનની કહાની
બોલિવૂડની એક ફિલ્મ છે, ‘ડોલી કી ડોલી’, જેમાં છોકરી ઘણા અમીર છોકરાઓ સાથે લગ્ન કરે છે અને લગ્નની રાત્રે જ બધા પૈસા અને સામાન લઈને ભાગી જાય છે. ત્યારે વાસ્તવિક જીવનમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક 23 વર્ષની છોકરીએ કથિત રીતે માત્ર સાત જ મહિનામાં અલગ અલગ રાજ્યોમાં લગભગ 25 પુરુષો સાથે લગ્ન કર્યા. આ પુરુષોને ના માત્ર છેતરવામાં આવ્યા પણ તેમની જીવનની કમાણી અને બચત લૂંટાઈ ગઈ. રાજસ્થાનના સવાઈ માધોપુર પોલીસે સોમવારે એક નાટકીય સ્ટિંગ ઓપરેશનમાં આરોપી અનુરાધા પાસવાનની ભોપાલથી ધરપકડ કરી. પોલીસે જણાવ્યું હતું કે પાસવાન એક ખૂબ જ સંગઠિત લગ્ન કૌભાંડ રેકેટનો ભાગ હતો.

આ રેકેટ નાના શહેરોના કુંવારા લોકોને નિશાન બનાવતું. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, તેણે ખૂબ જ ચાલાકીપૂર્વક અને સુનિયોજિત રીતે આ ગુનો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે અનુરાધા એક મોટી ગેંગનો ભાગ હતી. આ ગેંગ એવા પુરુષોને નિશાન બનાવતી હતી જેઓ લગ્ન માટે ઉત્સુક હોય. લગ્ન પછી અનુરાધા તેમની કિંમતી વસ્તુઓ લઈને ભાગી જતી. તપાસ અધિકારીએ કહ્યું કે અનુરાધાની મોડસ ઓપરેન્ડી નક્કી હતી. તે દુલ્હન બનીને આવતી હતી. તે કાયદેસર રીતે લગ્ન કરતી હતી. તે થોડા દિવસ રહેતી અને પછી તે રાતના અંધારામાં સોનું, પૈસા અને ઇલેક્ટ્રોનિક સામાન લઈને ગાયબ થઈ જતી. સવાઈ માધોપુરના વિષ્ણુ શર્માએ 3 મેના રોજ આ અંગે ફરિયાદ નોંધાવી હતી.

વિષ્ણુએ જણાવ્યું કે તેણે સુનિતા અને પપ્પુ મીણા નામના બે એજન્ટોને 2 લાખ રૂપિયા આપ્યા હતા. આ એજન્ટોએ વિષ્ણુ માટે સારી કન્યા શોધવાનું વચન આપ્યું હતું. અનુરાધા વિષ્ણુ માટે સંપૂર્ણ કન્યા હોવાનું જાહેર થયા બાદ તેમના લગ્ન 20 એપ્રિલે સ્થાનિક કોર્ટમાં થયા. પરંતુ, થોડા દિવસો પછી, 2 મેના રોજ, અનુરાધા કિંમતી વસ્તુઓ લઈને ભાગી ગઈ. અનુરાધા પહેલા ઉત્તર પ્રદેશના મહારાજગંજની એક હોસ્પિટલમાં કામ કરતી હતી.

ઘરેલુ ઝઘડાને કારણે, તે તેના પતિથી અલગ થઈ ગઈ અને ભોપાલ રહેવા ગઈ. ત્યાં, તે લગ્નના નામે છેતરપિંડી કરતી ગેંગમાં જોડાઈ ગઈ. આ ગેંગ સ્થાનિક એજન્ટો દ્વારા કાર્યરત હતી. આ એજન્ટો વોટ્સએપ દ્વારા દુલ્હનોના ફોટા બતાવતા અને 2 થી 5 લાખ રૂપિયા લેતા. હતો. લગ્ન પછી કન્યા સામાન્ય રીતે એક અઠવાડિયામાં ભાગી જતી. પોલીસે આ ગેંગમાં સામેલ અન્ય ઘણા શંકાસ્પદોની ઓળખ કરી છે. જેમાં રોશની, રઘુબીર, ગોલુ, મજબૂત સિંહ યાદવ અને અર્જુન જેવા લોકો સામેલ છે. તે બધા ભોપાલના અલગ અલગ વિસ્તારોના રહેવાસી છે.

વિષ્ણુના ઘરેથી ભાગી ગયા પછી, અનુરાધાએ ભોપાલમાં ગબ્બર નામના બીજા પુરુષ સાથે લગ્ન કર્યા અને તેની પાસેથી પણ 2 લાખ રૂપિયા લીધા હોવાનું કહેવાય છે. પોલીસે વરરાજાના વેશમાં એક ગુપ્ત કોન્સ્ટેબલને મોકલ્યો ત્યારે અનુરાધાની ધરપકડ કરવામાં આવી. જ્યારે એક એજન્ટે અનુરાધાનો ફોટો શેર કર્યો, ત્યારે તપાસકર્તાઓએ તક ઝડપી લીધી અને તેની ધરપકડ કરી. પોલીસ હવે આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. તેઓ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે આ ગેંગમાં બીજા કેટલા લોકો સામેલ છે. પોલીસ લોકોને લગ્નના નામે છેતરપિંડી કરનારાઓથી સાવધ રહેવા અપીલ કરી રહી છે.