6 people of Sunda village died in the accident : ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માની ઘટનામાંથી હજુ ગુજરાતીઓને કળ નહોતી વળી ત્યાં વધુ એક અકસ્માતની ખબરે ગુજરાતને ફરી હચમચાવી નાખ્યું. કપડવંજના નાના એવા સુણદા ગામના રહેવાસીઓ અને તેમના સંબંધીઓએ ચોટીલામાં માં ચામુંડાના દર્શન કરવા માટે ખુશી ખુશી જતા પહેલા એવું સપને પણ નહોતું વિચાર્યું કે આ તેમની જિંદગીનો અંતિમ પ્રવાસ હશે. તમામ લોકો છોટા હાથીમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા અને ત્યારે જ બગોદરા-બાવળા હાઇવે પર પંક્ચર થઈને ઉભેલી એક ટ્રકની પાછળ તેમની છોટા હાથી ગાડી ઘુસી ગઈ.
10 લોકો બન્યા કાળનો કોળિયો :
અકસ્માત એટલો ભયાનક હતો કે આખો હાઇવે મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો. રસ્તા પર પણ લોહીની નદીઓ વહેવા લાગી. આ ગોઝારા અકસ્માતમાં 10 લોકો કાળનો કોળિયો બની ગયા. જેમાં 6 લોકો તો કપડવંજ તાલુકાના સુણદા ગામના ઝાલા પરિવારના જ હતા. જ્યારે 3 લોકો બાલાશિનોરના ભાંથલા અને એક વ્યક્તિ કઠલાલના મહાદેવપુરાના વતની હતા. અકસ્માત બાદ પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા.
આખું ગામ હીબકે ચઢ્યું :
પોસ્ટમોર્ટમ બાદ જરૂરી કાર્યવાહી કરીને તમામ મૃતદેહોનો તેમના ગામ લઇ જવામાં આવ્યા, મોડી રાત્રે સુણદા ગામની અંદર ઝાલા પરિવારના 6 લોકોના મૃતદેહ આવતા જ આખું ગામ હીબકે ચઢ્યું હતું. મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા, કોઈના ઘરે ચૂલ્હો પણ સળગ્યો નહિ અને આ દુઃખની ઘડીમાં 3000થી વધુની વસ્તી ધરાવતું આખું સુણદા ગામ ઝાલા પરિવારની પડખે ઉભું રહ્યું.
2 બાળકીઓનો આબાદ બચાવ :
અંતિમયાત્રા સૌની આંખોમાં આંસુઓ હતા, મહિલાઓનું હૈયાફાટ રુદન કાળજું કંપાવી દે દેવું હતું. એક સાથે 6-6 લોકોની અંતિમ યાત્રા નીકળી, બધાને સાથે જ અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે આ નજારો કોઈની પણ આંખોમાં આંસુઓ લાવી દે તેવો હતો. ત્યારે આ ગોઝારા અકસ્માતમાં બે બાળકીઓનો પણ આબાદ બચાવ થયો છે. એક 6 મહિના અને બીજી 1 વર્ષની બાળકીને આટલા ખતરનાક અકસ્માતમાં પણ સામાન્ય ઈજાઓ જ પહોંચી હતી. આ બાળકીઓએ પણ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, હોસ્પિટલમાં હાલ તે સારવાર હેઠળ છે, પરંતુ તેમના પરિવારજનો તેમની પાસે ના હોવાથી તેમના પણ રડી રડીને હાલ બેહાલ છે.