દિવાળીના દિવસથી ફસાયેલા એ 41 મજૂરોની કહાની…. કેવી રીતે વિતાવ્યા એ 17 દિવસ ? રૂંવાડા ઉભા કરી દેનારી કહાની… જુઓ
41 laborers trapped in the tunnel came out : ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં છેલ્લા 17 દિવસથી ચાલી રહેલું ખોદકામ આજે પૂર્ણ થઈ ગયું અને ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને હેમખેમ બહાર કાઢવામા આવ્યા. આ મજૂરો છેલ્લા 17 દિવસથી જિંદગી અને મોત સામે જંગ લડી રહ્યા હતા અને તેમની જીવવાની તીવ્ર ઈચ્છાએ તેમને ટકાવી રાખ્યા અને હવે તે ટનલમાંથી બહાર નીકળ્યા છે. મજૂરોના ટનલમાંથી બહાર નીકળતા જ તેમના પરિવારજનોએ પણ રાહતના શ્વાસ લીધા.
તમને જણાવી દઈએ કે 12 નવેમ્બરથી ફસાયેલા તમામ 41 મજૂરોને બચાવી લેવામાં આવ્યા છે. પહેલા મજૂરને સાંજે 7.50 વાગ્યે બહાર કાઢવામાં આવ્યો હતો પછી એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
કેવી રીતે ફસાયા મજૂરો ? :
ત્યારે તમને આજે જણાવીશું તે કેવી રીતે ટનલમાં ફસાયા અને કેવી રહી તેમની આ 17 દિવસની સફર. 12મી નવેમ્બરે આ ટનલમાં રોજની જેમ મજૂરો કામ કરી રહ્યા હતા. સવારે સાડા પાંચ વાગ્યે અચાનક ભૂસ્ખલન શરૂ થયું. આ દરમિયાન ઘણા કામદારો બહાર ગયા હતા. ત્યારે અચાનક જ નિર્માણાધીન ટનલનો 60 મીટરનો ભાગ નીચે દબાઈ ગયો અને 41 કામદારો ટનલની અંદર ફસાઈ ગયા. આ કામદારો સિલ્કિયારા છેડેથી અંદર ગયા હતા.
કેવું રીતે વિતાવ્યા 17 દિવસ ? :
જે ટનલમાં તેઓ ફસાયા હતા તેનો 2340 મીટરનો ભાગ પૂરો થઈ ગયો છે. આ ભાગમાં ભૂસ્ખલન બાદ 200 મીટરના અંતરે પહાડનો કાટમાળ પડ્યો હતો. કાટમાળની લંબાઈ લગભગ 60 મીટર હતી. એટલે કે કામદારો 260 મીટર ઉપર ફસાયેલા હતા. આ મજૂરોને ખસેડવા પાછળ બે કિલોમીટરનો વિસ્તાર હતો. આ લોકો 50 ફૂટ પહોળા અને બે કિલોમીટર લાંબા રસ્તા પર ફરી શકે તેમ હતું.
તંત્રએ શું કામગીરી કરી ? :
અંદર ફસાયેલા કામદારોને તણાવમુક્ત રાખવા માટે વહીવટીતંત્રે બહારથી અનેક પદ્ધતિઓ અપનાવી હતી. સમય પસાર કરવા અને કામદારોને વ્યસ્ત રાખવા માટે લુડો, પત્તા અને ચેસ ટનલની અંદર મોકલવામાં આવ્યા હતા. કામદારોને તણાવમુક્ત રાખવા માટે તેમને યોગ કરવાની સલાહ આપવામાં આવી હતી. સરકારે કામદારોને ફોન પણ મોકલ્યા જેથી તેઓ તેમના પરિવાર સાથે વાત કરી શકે. શનિવારે (26 નવેમ્બર) કામદારોને ગેમ રમવા માટે મોબાઈલ ફોન પણ મોકલવામાં આવ્યા હતા, જેથી તેઓ પોતાની જાતને તણાવમુક્ત રાખી શકે.