Ahmedabad SVP Hospital : ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના મામલા સામે આવે છે. જેમાં કેટલીકવાર લોકો પ્રેમ સંબંધ તો કેટલીક અવૈદ્ય સંબંધ તો કેટલીકવાર આર્થિક તંગી અથવા તો કોઇ બિમારીના કારણે કંટાળી આપઘાત જેવું પગલુ ભરતો હોય છે. ત્યારે હાલમાં જ અમદાવાદના એલિસબ્રિજ પાસે આવેલી SVP હોસ્પિટલના 12માં માળેથી કૂદી એક 25 વર્ષીય યુવતીના આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. આ યુવતી છેલ્લા બે મહિનાથી ગાયનેક અને કિડનીની તકલીફથી પીડાતી હતી અને આનાથી જ કંટાળી તેણે આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તારણ છે.
સરખેજની અલીના શેખ ડાયાલિસિસ કરાવવા માટે SVP હોસ્પિટલ ખાતે આવતી અને આજે સવારે જ્યારે તે તેની નણંદ સાથે ડાયાલિસિસ માટે આવી ત્યારે 12માં માળે ડાયાલિસિસ કરાવવા ગઈ એ દરમિયાન તેણે તેની નણંદને બોટલમાં પાણી ભરવા માટે મોકલી. આ દરમિયાન તેની નણંદ જેવી ગઇ કે અલીનાએ હોસ્પિટલના 12માં માળેથી આપઘાત કરી લીધો. SVP હોસ્પિટલના CEO અનુસાર, સરખેજના ફતેવાડીમાં રહેતી અલીના શેખ ફેબ્રુઆરી મહિનાથી કિડની અને ગાયનેક સમસ્યાઓની સારવાર માટે SVP હોસ્પિટલ આવતી હતી.
જ્યારે આજે તે તેની નણંદ સાથે ડાયાલિસિસ કરાવવા આવી તો તે લોબીમાં ચાલી અને બાલ્કની તરફ ઊભી રહી. આ દરમિયાન તેણે તેની નણંદને પાણી લેવા મોકલી અને પછી બાલ્કનીમાંથી છલાંગ લગાવી મોતને વ્હાલુ કરી લીધુ. અલીનાએ 12માં માળેથી છલાંગ લગાવતા તે ચોથા માળની છત પર પટકાઈ હતી. જો કે, આ મામલાની જાણ થતાં જ હોસ્પિટલનો સ્ટાફ તાત્કાલિક દોડી ગયો અને તેને ઈમર્જન્સી વિભાગમાં લઈ જવામાં આવી પણ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું.