જયા એકાદશીનું છે ખાસ મહત્વ, અત્યારે જાણો શુભ મુહૂર્ત, સાથે જાણો શુભ ફળ મેળવવા કઇ રીતે કરશો આ એકાદશી
દર વર્ષે જયાએકાદશી મહા મહિનામાં સુદ પક્ષમાં આવે છે. વ્રત આ વખતે 23 ફેબ્રુઆરીએ આવશે. આ વ્રતના પ્રભાવથી વ્યક્તિના બધા પાપનો નાશ થાય છે અને ઘરમાં સુખ-સંપત્તિ આવે છે.
પૌરાણિક શાસ્ત્રોમાં જયા એકાદશીને ખૂબ જ પુણ્યદાયી એકાદશી માનવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી બધા પ્રકારના પાપમાંથી મુક્તિ મળી જાય છે. શાસ્ત્રો અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને ભૂત પ્રેત, પિશાચને મુક્તિ મળી જાય છે.
જયા એકાદશી વ્રતની પૂજા વિધિ
એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું અને પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો. તે પછી વ્રતનો સંકલ્પ લેવો. ઘરના મંદિરમાં એક બાજોઠમાં લાલ કપડું પાથરીને ભગવાન વિષ્ણુની પ્રતિમા સ્થાપિત કરો. હવે એક કળશમાં ગંગાજળ લેવું અને તેમાં તલ, નાડાછડી અને ચોખા મિક્સ કરો. તે પછી આ કળશથી પાણીના થોડા ટીપા લઇને ચારેય બાજુ છાંટવું. અને આ કળશની ઘટ સ્થાપના કરવી.
વ્રતનો સંકલ્પ લો અને પછી વિષ્ણુ ભગવાનની આરાધના કરો. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ અર્પિત કરો. ઘીમાં હળદર નાખીને ભગવાન વિષ્ણુને દીવો કરો. પીપળાના પાન પર દૂધ અને કેસરથી બનાવેલી મીઠાઈ મૂકીને ભગવાનને ભોગ ધરો.
એકાદશીની સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવો. ભગવાન વિષ્ણુને કેળા ચડાવો અને ગરીબોમાં પણ કેળા વહેંચો. ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીની પૂજા કરો અને ગોમતી ચક્ર અને પીળી કોળી પણ પૂજામાં રાખો.
જયા એકાદશી મુહૂર્ત
એકાદશી તિથિ પ્રારંભ – 22 ફેબ્રુઆરી સાંજે 5: 16 વાગ્યાથી
એકાદશી તિથિ સમાપ્ત.- 23 ફેબ્રુઆરી સાંજે 6: 05 વાગ્યા સુધી
જયા એકાદશી પારણા મુહૂર્ત – 24 ફેબ્રુઆરીએ સવારે 6: 51 વાગ્યાથી 9:09 વાગ્યા સુધી
અવધિ : 2 કલાક 17 મિનિટ
એકાદશી પર ભૂલથી પણ ન કરો આ કામ
એવી માન્યતા છે કે, એકાદશીના દિવસે ચોખાનું સેવન ન કરવું. એકાદશીનું વ્રત ભગવાન વિષ્ણુની આરાધના અને તેમના પ્રતિ સમર્પણના ભાવને જોવામાં આવે છે. એકાદશીના દિવસે ખાણી-પીણીમાં અને વ્યવહારમાં સંયમ અને સાત્વિકતાનું પાલન કરવું જોઇએ.
એકાદશીના દિવસે સંયમ સાથે પતિ-પત્નીએ બ્હ્મચાર્યનું પાલન કરવુ જોઇએ અને આ દિવસે સંબંધ બાંધવો ન જોઇએ. બધી જ તિથિઓમાં એકાદશીને ખૂબ જ શુભ માનવામાં આવી છે. એકાદશીનો લાભ મેળવવા માટે આ દિવસે કોઇને કઠોર શબ્દ ન કહેવો. ઝઘડવાથી બચવું જોઇએ.
આ વ્રતના દિવસે પવિત્ર મનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ. મનમાં દ્વેષ, છળ, કપટ, કામ અને વાસનાની ભાવના ન હોવી જોઈએ. નારાયણ સ્તોત્ર તેમજ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. આ રીતે જયા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. જે લોકો આ એકાદશીનું વ્રત નથી કરી શકતા એ લોકો પણ આ દિવસે વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરો તો એનાથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે.