દુઃખદ: વધુ એક પરીક્ષાર્થીનું મોત ! મહુધાના ધોરણ 12ના બોર્ડના પરીક્ષાર્થીને મળ્યું દર્દનાક મૃત્યુ

ગુજરાતમાંથી ઘણીવાર અકસ્માતના ચકચારી ભરેલા કિસ્સા સામે આવતા રહે છે. આવા કિસ્સામાં ઘણા લોકો મોતને ભેટે છે તો ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ જતા હોય છે. ત્યારે હાલ મહુધામાંથી અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે બાઇક ચલાવી રહેલ ધોરણ 12ના વિદ્યાર્થીની કાર સાથે ટક્કર થઇ હતી અને આ અકસ્માતમાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતુ. સોમવારના રોજ બપોરે 3 વાગ્યા આસપાસ નડિયાદથી મહુધા રેસ્ટહાઉસ ચોકડી બાજુ બે યુવકો એક બાઇક પર તેજ ગતિ સાથે આવી રહ્યા હતા.

ત્યારે કઠલાલ તરફથી એક અલ્ટો કાર નડિયાદ તરફ જઈ રહી હતી. બાઇક ચાલકે બાઈક પરનો કાબુ ગુમાવ્યો અને બાઇક કાર સાથે અથડાયું. આ ગમખ્વાર અકસ્માતમાં ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા નીલ પટેલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જયારે બાઇકમાં સવાર એક યુવકને ઇજા પહોંચતા તેને સારવાર હેઠળ સ્થાનિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તો આ યુવકની સ્થિતિ સ્થિર હોવાનું સામે આવ્યુ છે.

આ સમગ્ર મામલે પોલિસે કાર્યવાહી હાથ ધરી છે. જયારે મૃતકને મહુધા સીએચસી ખસેડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પાંચેક વર્ષ પહેલા જ મૃતકના પિતાનું મોત થયુ હતુ. તેની માતા ઘરકામ કરે છે અને તેનો મોટો ભાઇ મહુધા કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. માતા-પુત્ર પર પાંચ વર્ષમાં પરિવારના બે સભ્ય ગુમાવતાં વજ્રઘાત થયો છે.

સૌજન્ય : દિવ્ય ભાસ્કર

Shah Jina