અદાણીના બધા જ શેરનો ભૂકો બોલી ગયો, અમેરિકાએ ગૌતમ અદાણી વિરુદ્ધ બહાર પડ્યુ ધરપકડ વોરંટ, જાણો સમગ્ર મામલો

ભારતીય અબજોપતિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પર અમેરિકામાં ગંભીર આરોપો લાગ્યા છે. આ તેમની કંપનીના નિવેશકોને દગો દેવાના છે. તેમના પર અમેરિકામાં પોતાની કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે 265 મિલિયન ડોલર એટલે કે લગભગ 2236 કરોડ રૂપિયાની લાંચ આપવાનો અને તેને છુપાવવાનો આરોપ છે. આ સમગ્ર મામલો અદાણી ગ્રુપની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ અને અન્ય એક પેઢી સાથે સંબંધિત છે.

અદાણી પર કયા આરોપો લાગ્યા ?
યુએસમાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) એ બુધવારે આ કેસમાં ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણી, અદાણી ગ્રીન એનર્જી લિમિટેડના અધિકારીઓ સમેત એક અન્ય ફર્મ એઝ્યોર પાવર ગ્લોબલ લિમિટેડના એક્ઝિક્યુટિવ સિરિલ કાબેનેસ સામે પણ આરોપો લગાવ્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર સાથે 7 અન્ય પ્રતિવાદીઓએ રિન્યુએબલ એનર્જી કંપની માટે કોન્ટ્રાક્ટ મેળવવા અને ભારતના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટને વિકસાવવા માટે ભારતીય સરકારી અધિકારીઓને આશરે $265 મિલિયનની રિશ્વત આપવા પર સહમતિ જતાવી હતી.

2 અરબ ડોલરના નફા સાથે જોડાયેલ છે મામલો
દાવો કરવામાં આવ્યો હતો કે આ સમગ્ર મામલો અબજો ડોલરના નફા સાથે સંબંધિત છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફરિયાદીઓએ આરોપ લગાવ્યો છે કે આ કોન્ટ્રાક્ટ દ્વારા અદાણી ગ્રુપને 20 વર્ષમાં $2 બિલિયનથી વધુનો નફો થવાની અપેક્ષા હતી. આરોપ છે કે આ લાંચ 2020 થી 2024 વચ્ચે અધિકારીઓને આપવામાં આવી હતી.

આ સાથે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ નફા માટે અમેરિકા સહિત અન્ય દેશોના રોકાણકારો અને બેંકોને ખોટું કહેવામાં આવ્યું. ફરિયાદીઓએ એવો પણ દાવો કર્યો હતો કે અદાણી ગ્રીન એનર્જીના અન્ય એક્ઝિક્યુટિવ, પૂર્વ CEO વિનીત જૈને ધિરાણકર્તાઓ અને રોકાણકારોથી તેમના ભ્રષ્ટાચારને છુપાવીને $3 બિલિયનથી વધુની લોન અને બોન્ડ એકત્ર કર્યા હતા. જણાવી દઈએ કે વિનીત જૈન 2020 થી 2023 સુધી કંપનીના સીઈઓ હતા.

ગૌતમ અદાણી આટલી સંપત્તિના માલિક
બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઈન્ડેક્સ મુજબ, 62 વર્ષીય ભારતીય અબજોપતિ ગૌતમ અદાણી હાલમાં 85.5 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના ટોચના ધનિક લોકોની યાદીમાં 18મા ક્રમે છે. છેલ્લા 24 કલાકમાં તેમને $295 મિલિયનનું નુકસાન થયું છે. જો આપણે તેમની કંપની અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ વિશે વાત કરીએ તો તેનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ.2.24 લાખ કરોડ છે.

અદાણી ગ્રીન શેરનો હાલ
અમેરિકામાં આરોપોથી ઘેરાયેલી ગૌતમ અદાણીની કંપની અદાણી ગ્રીન એનર્જીના શેર પર નજર કરીએ તો ભારતીય શેરબજારમાં ઘટાડા વચ્ચે આ કંપનીના શેર સતત ઘટી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં તેની કિંમતમાં 17.76 ટકાનો ઘટાડો થયો છે અને મંગળવારે તે 3 ટકાથી વધુ ઘટી 1407 રૂપિયા પર બંધ થયો હતો.

Shah Jina