આ મંદિરનું નામ સાંભળતા જ લોકોનો છૂટી જાય છે પરસેવો, કોઈ અંદર જવાની નથી કરતું હિંમત

ભારતમાં લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે. દેશનું ભાગ્યે જ કોઈ એવું ગામ હશે જ્યાં એકથી વધુ મંદિર ન હોય. આ મંદિરોમાં કેટલાક એવા વિશિષ્ટ અને રહસ્યમયી છે જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. આમ તો બધાને મંદિર જવું ગમે છે ત્યાં જઈને શાંતિનો અનુભવ થાય છે.

લોકો પૂજા પાઠ કરે છે. પરંતુ ભારતમાં એક મંદિર એવું પણ છે જ્યાં જવાથી લોકોને ડર લાગે છે. અંદર જવા પર લોકોને ભૂત પ્રેતનો ડર લાગે છે. હકિકતમાં આ મંદિર હિમાચલ પ્રદેશના ચંબાના એક નાના એવા નગર ભરમોરમાં આવેલું છે.

આ મંદિર જોવામાં તો એકદમ નાનું લાગે છે, પરંતુ તેનું નામ દૂર દૂર સુધી ફેલાયેલું છે. આ મંદિર વિશે કહેવામાં આવે છે કે, લોકો આ મંદિરની અંદર જવાની ભૂલ ક્યારેય નથી કરતા. ભક્તો મંદિરની બહારથી જ પ્રાર્થના કરીને ચાલ્યા જાય છે.

વાસ્તવમાં આ મંદિર મૃત્યુના દેવતા યમરાજનું છે. તેથી જ લોકો આ મંદિરની નજીક આવતા ડરે છે. આ દુનિયાનું એક માત્ર મંદિર છે જે યમરાજને સમર્પિત છે. લોકોનું કહેવું છે કે, આ મંદિરને યમરાજ માટે બનાવવામાં આવ્યું હતું. તેથી તેની અંદર તેમના સિવાય કોઈ પ્રવેશી શકતું નથી.

આ ગામના લોકોનું કહેવું છે કે, આ મંદિરમાં ચિત્રગુપ્ત માટે પણ એક રુમ બનાવવામાં આવ્યો છે, જેમા તે લોકોના સારા નરસા કામોનો હિસાબ એક બુકમાં કરે છે. એવું માનવામાં આવે છે કે, મનુષ્યોના મોત બાદ ધરતી પર તેમણે કરેલા કર્મોના આધારે તેને સ્વર્ગ કે નર્કમાં જવાનો નિર્ણય ચિત્રગુપ્ત જ કરે છે.

એટલે કે કોઈ વ્યક્તિ મૃત્યુ બાદ સ્વર્ગમાં જશે કે નર્કમાં તે ચિત્રગુપ્ત જ નક્કી કરે છે. એવું પણ કહેવાય છે કે આ મંદિરમાં ચાર ગુપ્ત દરવાજા પણ છે, જે સોના, ચાંદી,તાંબા અને લોખંડથી બનેલા છે. એવું માનવામાં આવે છે કે જે લોકો વધું પાપ કરે છે તેમની આત્મા લોખંડના દરવાજામાંથી પસાર થાય છે અને જે લોકો પુણ્ય કરે છે તેમની આત્મા સોનાના દ્વાર માંથી પસાર થાય છે.

YC