અલવિદા ઉસ્તાદ ! મશહૂર તબલાવાદકે દુનિયાને કહ્યુ અલવિદા, આ ખતરનાક બિમારીને કારણે લીધા અંતિમ શ્વાસ

વિશ્વભરમાં ભારતને શાસ્ત્રીય સંગીતમાં એક અલગ ઓળખ અપાવનાર ઉસ્તાદ અને પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈન હવે આપણી વચ્ચે નથી રહ્યા. ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે અવસાન થયું છે, તેમણે અમેરિકાના સૈન ફ્રાન્સિસ્કોમાં અંતિમ શ્વાસ લીધા. અગાઉ 15 ડિસેમ્બરની રાત્રે પરિવારે હુસૈનના નિધનના સમાચારને નકારી કાઢ્યા હતા. તેમની બહેને પીટીઆઈને જણાવ્યું કે તેઓ શ્વાસ લઈ રહ્યા છે, પરંતુ તેમની હાલત નાજુક છે. તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો.

પરંતુ 16 ડિસેમ્બરની સવારે ઝાકિર હુસૈને આ દુનિયાને અલવિદા કહી દીધું. ઝાકિર હુસૈન ફેફસાના ગંભીર રોગ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દી હતા. જેના કારણે તેમને હ્રદય સંબંધિત સમસ્યાઓ થઈ હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે નિધન થયું. રીપોર્ટ અનુસાર, પરિવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે તેમને ઇડિયોપેથિક પલ્મોનરી ફાઇબ્રોસિસ નામની દુર્લભ ફેફસાંની બીમારી હતી. જેને કારણે તેમને કોમ્પ્લિકેશન આવવા લાગ્યા હતા. આ એક ગંભીર બીમારી છે.

ઝાકિર હુસૈનનો જન્મ 9 માર્ચ 1951ના રોજ મુંબઈમાં થયો હતો. તેમના પિતાનું નામ ઉસ્તાદ અલ્લારક્ખા કુરેશી હતું અને તેઓ પણ તબલાવાદક હતા. તેમની માતાનું નામ બાવી બેગમ હતું. તેમણે માત્ર 11 વર્ષની ઉંમરે અમેરિકામાં પોતાનો પહેલો કોન્સર્ટ કર્યો હતો. આ પછી તેમણે 1973માં તેનું પહેલું આલ્બમ લોન્ચ કર્યું. ભારત સરકારે તેમને 1988માં પદ્મશ્રી, 2002માં પદ્મ ભૂષણ અને 2023માં પદ્મ વિભૂષણથી નવાજ્યા હતા.

તેમણે આ વર્ષે ફેબ્રુઆરીમાં ત્રણ ગ્રેમી એવોર્ડ પણ જીત્યા હતા. પર્સનલ લાઇફની વાત કરીએ તો તેમને બે દીકરીઓ છે. એક દીકરી અનીસા કુરેશીએ ફિલ્મ મેકિંગનો અભ્યાસ કર્યો છે જ્યારે બીજી દીકરી ઈસાબેલા વિદેશમાં ડાન્સનો અભ્યાસ કરી રહી છે. ઝાકિર હુસૈને કથક ડાંસર અને ટીચર તેમજ પોતાની મેનેજર Antonia Minnecola સાથે લગ્ન કર્યા હતા.

Shah Jina