Reel લાઈફનો ગુજરાતી હીરો Real લાઇફમાં વિલન! ગુજરાતી ફિલ્મનો એક્ટર-ડિરેક્ટર જય જિમ્મી પત્ની સાથે દારૂની હેરાફેરી કરતો ઝડપાયો

સુરતની કાપોદ્રા પોલીસે વિદેશી દારૂનું વેચાણ અને હેરફેરી કરનાર દંપતીની ધરપકડ કરી 2.86 લાખનો દારૂનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલો આરોપી જય બારૈયા ઉર્ફે જય જિમ્મી નામે ગુજરાતી ફિલ્મમાં એક્ટર અને ડિરેક્ટર પણ રહી ચૂક્યો છે. આ સાથે તે કાર લે-વેચનો ધંધો પણ કરે છે. તેનો જુડવા ભાઈ પણ ફિલ્મની દુનિયા સાથે સંકળાયેલો છે અને તે પણ આ દારૂના ધંધામાં ભાગીદાર છે.

વિદેશી દારૂની 1579 બોટલો મળી

કારમાં ડુપ્લિકેટ નંબર પ્લેટ લગાવી વિદેશી દારૂની બોટલો ગાડીના ચોરખાનામાં મૂકી ટુ-વ્હીલરમાં દારૂના વેચાણ માટે હેરફેર કરી દારૂનો ધંધો કરે છે. તેથી પોલીસે જય ઉર્ફે જયલો ભાણજીભાઈ બારૈયા અને તેની પત્ની મીનાક્ષીબેનને રેડ દરમિયાન પકડી પાડ્યાં હતાં. પકડાયેલ આરોપીઓની તપાસ કરતાં ટુ વ્હીલર તથા બે ફોર-વ્હીલર ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી 1579 બોટલો મળી આવી હતી. જેની કિંમત ₹2,86,808 રૂપિયા જેટલી થાય છે. પોલીસે બે કાર, એક સ્કૂટર સહિત 10,91,000થી વધુ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે જયના ભાઈ વિજય અને દારૂનો મુદ્દામાલ આપનાર બે સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

દમણથી દારૂ લાવી સુરતમાં વેચતા

આરોપી જયે પોલીસ પૂછપરછમાં જણાવ્યું કે, ફિલ્મોમાં એક્ટિંગ અને ડાયરેક્શન કંઈ સરખું ચાલતું ન હતું. જેથી ગાડી લે-વેચનો વ્યવસાય પણ કરતો હતો. જેમાં એક વર્ષ પહેલાં ખોટ જતાં તેણે દારૂ વેચવાનું નક્કી કરી પહેલા દમણથી અલગ અલગ વાઇન શોપમાંથી ઇંગ્લિશ દારૂ લઇ આવી છૂટકમાં વેચાણ કરતો હતો. ત્યારબાદ દારૂના વેચાણમાં પત્ની અને નાનો ભાઇ વિજય પણ જોડાયાં હતાં. બાદમાં અમે ત્રણેયે સાથે દારૂનું વેચાણ કરવાનું નક્કી કર્યું. દારૂ દમણથી તથા સેલવાસથી લઈ આવતા અને સુરતમાં છૂટક વેચાણ કરતા હતા.

હોળી-ધુળેટીને કારણે માલ લાવ્યા

આરોપીએ વધુમાં જણાવ્યું કે, અમે નવસારી, વલસાડ પોલીસ સ્ટેશનમાં તથા વરાછામાં પકડાયાં હતાં અને પાસા થતાં ઘણા સમય સુધી જેલમાં રહેવાના કારણે દેવું થઈ ગયું હતું. હાલમાં હોળી-ધુળેટીનો તહેવાર નજીક આવતો હોવાથી અમે આજથી બે-ત્રણ દિવસ પહેલાં બે અલગ-અલગ કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની-મોટી બાટલીઓ કારની અંદર અને દરવાજાની સાઈડે છુપાવી લઇ આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પકડાયેલું દંપતી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જેમાં આરોપી જય ઉર્ફે જયલા વિરુદ્ધ સુરત ,નવસારી, વલસાડ, સહિત અલગ અલગ પોલીસ મથકોમાં 9 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આરોપી જયને એક વખત પાસા હેઠળ પણ ધકેલવામાં આવ્યો છે. આ સાથે તેની પત્ની મીનાક્ષીબેન વિરુદ્ધ પણ વલસાડના ડુંગરા પોલીસ મથક અને નવસારી રૂરલ પોલીસ મથકમાં ગુનાઓ નોંધાયેલા છે. હાલ તો જય અને તેની પત્ની મીનાક્ષીની ધરપકડ કરી લેવામાં આવી છે જ્યારે તેના જુડવા ભાઈ વિજય સહિત ત્રણને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Twinkle