દુઃખદ : ST ડ્રાઈવરને ચાલુ બસ હાર્ટ એટેક આવ્યો, સ્ટેરીંગ ના છોડ્યું, બધા મુસાફરોને સેફ ડેપો પહોંચાડ્યા પછી નિધન થઇ ગયું…
ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી સ્વસ્થ વ્યક્તિઓને અથવા તો નાની ઉંમરે યુવાઓને હાર્ટ અટેક આવવાની અને તેમના મોત થવાની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. કોઇને ક્રિકેટ રમતા તો કોઇને ફૂટબોલ રમતા તો કોઇને જીમમાં એક્સરસાઇઝ કરતા તો કોઇને લગ્નમાં કે કોઇ અન્ય પ્રસંગમાં ડાન્સ કરતા કરતા હાર્ટ એટેક આવવાની ઘટના બને છે. ત્યારે હાલમાં રાધનપુરમાં એક એસટી બસ ડ્રાઇવરનું હાર્ટ એટેકને કારણે મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. જો કે, ડ્રાઇવરને હાર્ટ એટેક આવવા છત્તાં તેમણે અનેક મુસાફરોના જીવ બચાવ્યાં હતા.
ચાલુ બસે જ ડ્રાઇવરને હાર્ટ અટેક આવ્યો હતો પણ તેમણે હિંમત કરી બસને બસ સ્ટેન્ડ સુધી પહોંચાડી હતી. જો કે, તે બાદ તેમને સારવાર માટે ખસેડાતા તેમનું મોત થયું હતું.સોમનાથથી રાધનપુર બસ લઈને આવી રહેલા ડ્રાઈવર રાધનપુર બસ સ્ટેશનથી એક કિલોમીટરના અંતરે હતા ત્યારે જ તેમને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જો કે, તેમણે હિંમત કરી મુસાફરોને સહી સલામત રાધનપુર બસ સ્ટેશન સુધી પહોંચાડ્યા હતા. ભારમલભાઈ આહીરને છાતીમાં દુખાવાને લઈ તાત્કાલિક હાજર સ્ટાફ દ્વારા સારવાર માટે લઈ જવાયા પણ તેમનું સારવાર દરમિયાન મોત થતા રાધનપુર એસટી વિભાગના કર્મચારીઓમાં શોકનો માહોલ ફેલાઇ ગયો હતો.
જો કે, પોતાને તકલીફ હોવા છત્તાં પણ તેઓ બસમાં સવાર મુસાફરોને સહી સલામત લઇ આવ્યા હતા અને તેમનો જીવ બચાવ્યો હતો. પણ તેઓ પોતાનો જીવ બચાવી શક્યા નહિ. બીજી બાજુ હાર્ટ એટેકથી યુવાઓના જે મોત થઇ રહ્યા છે તે મુદ્દે તો કેન્દ્ર સરકાર પણ ચિંતિત છે અને તેને લઇને તપાસ માટે એક્સપર્ટ ટીમની રચના કરવામાં આવી છે. જેથી યુવાઓના આકસ્મિક મોતના કારણો પર ટીમ તપાસ કરશે. હાર્ટ એટેકથી બચવા વજનને ચેક કરતાં રહેવું જોઇએ અને જો વજન વધતુ જણાય તો તેને કંટ્રોલમાં રાખવાના ઉપાય કરવા જોઇએ. આ ઉપરાંત જો વજન વધવાની સમસ્યા હોય તો રેગ્યુલર એક્સરસાઈઝ કરવી જોઈએ.
જમવામાં હેલ્થી ખોરાકનો સમાવેશ કરવો જોઇએ અને જો હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો તેમને વધારે મીઠું ના ખાવું જોઇએ. આ ઉપરાંત જો ડાયાબિટીસના દર્દીઓ હોય તો તેમને પોતાનો ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવો કારણ કે તેમને દિલની બીમારીનો ખતરો વધુ હોય છે . આ ઉપરાંત વધુ કોફીના સેવનથી બ્લડ પ્રેશર વધે છે અને તે હ્રદય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ખાસ તો એ કે ડોક્ટરની સલાહ વિના કોઈ પણ પ્રકારની દવાઓ ન લેવી અને જો ચાલતા કે દોડતા સમયે હ્રદયના ધબકાર વધી જાય તરત ડૉક્ટરની સલાહ લેવી.