મહાકુંભમાં PM મોદી, સંગમમાં લાગવી આસ્થાની ડૂબકી- સૂર્યને અર્ધ્ય પણ કર્યુ અર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે સવારે પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ 2025માં પહોંચ્યા હતા, જ્યાં તેમણે ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું. પીએમએ ભગવા રંગના વસ્ત્રો પહેરીને સ્નાન કર્યા બાદ ગંગા માતાને પ્રણામ કર્યા અને સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કર્યુ. અધિકારીઓએ જણાવ્યું હતું કે વડા પ્રધાન બુધવારે સવારે હેલિકોપ્ટર દ્વારા અરૈલ ઘાટ નજીક હેલિપેડ પહોંચ્યા હતા અને ત્યાંથી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને બોટ દ્વારા સંગમ લઈ ગયા હતા.

પીએમ મોદીએ બુધવારે પ્રયાગરાજના મહાકુંભ મેળામાં સ્નાન કર્યા બાદ ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, “આજે પ્રયાગરાજ મહાકુંભમાં મને પવિત્ર સંગમમાં સ્નાન કર્યા પછી પૂજા કરવાનો મહાન લહાવો મળ્યો. માતા ગંગાના આશીર્વાદ મેળવ્યા બાદ મનને અપાર શાંતિ અને સંતોષ મળ્યો છે. તેમને તમામ દેશવાસીઓના સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને કલ્યાણની શુભેચ્છા. હર હર ગંગે!”

આ પહેલા 13 ડિસેમ્બર 2024ના રોજ પ્રયાગરાજની તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાને 5,500 કરોડ રૂપિયાના 167 વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય સામાન્ય જનતા માટે કનેક્ટિવિટી, સુવિધાઓ અને સેવાઓમાં સુધારો કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચ્યા, જ્યાંથી તેઓ ‘MI 17’ હેલિકોપ્ટરમાં સવાર થયા અને DPS હેલિપેડ પર ઉતર્યા.

અહીં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું અને અભિનંદન કર્યુ. અહીંથી વડાપ્રધાન અરૈલ ઘાટ પહોંચ્યા, જ્યાંથી તેમણે એક ખાસ બોટમાં બેસીને ત્રિવેણી સંગમ તરફ પ્રયાણ કર્યું. નૌકા પ્રવાસ દરમિયાન વડાપ્રધાને ત્રિવેણી સંગમમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓની શુભેચ્છાઓ પણ સ્વીકારી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાનની મુલાકાત દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે તેની ખાસ કાળજી રાખવામાં આવી છે. તેથી, માત્ર કેટલાક વિસ્તારોમાં સુરક્ષા પ્રોટોકોલ ફરજિયાત કરવામાં આવ્યા અને ભક્તોએ અન્ય ઘાટો પર સ્નાન કર્યુ. મહાકુંભ 2025નો શુભારંભ પોષ પૂર્ણિમાના અવસર પર 13 જાન્યુઆરીએ થયો હતો, જે 26 ફેબ્રુઆરી મહાશિવરાત્રિ સુધી ચાલશે.

આને વિશ્વની સૌથી મોટી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઘટના માનવામાં આવે છે, જે લાખો ભક્તો અને સંતોને આકર્ષે છે. મંગળવારે મહાકુંભ મેળા દરમિયાન 75 લાખ લોકોએ ત્રિવાણીમાં ડૂબકી લગાવી હતી. અત્યાર સુધીમાં 38 કરોડથી વધુ ભક્તોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે.

Shah Jina