ખ્યાતિ હોસ્પિટલ કાંડ : પૈસા કમાવવાની લાલચે દર્દીઓના ખોટા ખોટા ઓપરેશન કર્યા, વધુ 4 દર્દીઓના મોત

અમદાવાદની ખ્યાતી હોસ્પિટલમાં બે દર્દીઓના મોત થયા બાદ મેડિકલ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતુ. વાસ્તવમાં સરકારી યોજનાનો લાભ મેળવવા માટે હોસ્પિટલે મેડિકલ કેમ્પ યોજી દર્દીઓના ઓપરેશન કરવાનું કૌભાંડ આચર્યુ હતું. ત્યારે આ મામલે મૃત્યુ આંક વધ્યો છે. ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીથી વધુ 4 દર્દીના મોત થયા હોવાનું સામે આવ્યું છે. માત્ર કહેવાતી આ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના કેમ્પના બહાને દાખવેલી બેદરકારીથી અત્યાર સુધી 9 જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

મહેસાણાના કડીના વિનાયકપુરા ગામમાં છ ઓક્ટોબરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો અને 40 દર્દીઓએ ચેકઅપ કરાવ્યુ હતું. આ પૈકી 75 વર્ષીય ગણપત વાળંદને હૃદયની નળીઓ બ્લોક હોવાનું કહી ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને PMJAY કાર્ડ લઇ આવવાનું હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યુ. તેમની એન્જિયોગ્રાફી કરવામાં આવી અને આ પછી એન્જિયોપ્લાસ્ટી ડો.પ્રશાંત વજીરાણી દ્વારા કરવામાં આવી હતી.

જો કે સ્ટેન્ટ મૂકાયા બાદ તેમની તબીયત લથડતાં સિવિલની યુ.એન.મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે સારવાર દરમિયાન 4 નવેમ્બરે તેમનું મોત થયું. 5 માર્ચ 2023માં કડીના ખાવડ ગામમાં કેમ્પ યોજ્યો હતો અને 12 વ્યક્તિની નળીઓ બ્લોક હોવાનું જણાવાયુ હતુ. આ પછી બીજા દિવસે ગામના દર્દીઓને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને એમાં દંપતિ 85 વર્ષીય મૂળજી ચાવડા-ચંપાબેન ચાવડાનો પણ સમાવેશ થાય છે.

બંનેની એન્જિયોગ્રાફી કરાઇ અને રીપોર્ટ ખરાબ હોવાનું કહી મૂળજીભાઇની એન્જિયોપ્લાસ્ટી કરાઇ. જો કે 7 માર્ચે રજા અપાયા બાદ 20મી માર્ચે તબિયત કથળતાં સિવિલમાં લાવવામાં આવ્યા અને સારવાર દરમિયાન તેમનું પણ મોત થયું. કડીના વાઘરોડા ગામમાં 10 ઓક્ટોબરના કેમ્પ યોજાયો અને 23 વ્યક્તિની નળી બ્લોક હોવાનું કહેવાયુ. 14 ઓક્ટોબરે તમામને ખ્યાતિ હોસ્પિટલ લવાયા અને ડો. પ્રશાંત વજીરાણી દ્વારા 85 વર્ષીય ફતાજી ઠાકોરની બે નળીઓ બ્લોક હોવાનું કહી એન્જિયોપ્લાસ્ટી કરાઈ. જો કે 15 ઓક્ટોબરે સારવાર દરમિયાન હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું.

મહેસાણાના જોરણંગ ગામમાં ડિસેમ્બર 2022માં મેડિકલ કેમ્પ બાદ ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને કથિત સારવાર દરમિયાન લક્ષ્મણ રાવળનું સ્ટેન્ડ મૂક્યાના 3 મહિના પછઈ મોત થયું હતું. આ સિવાય સ્ટેન્ડ મૂકાવેલા પાંચ દર્દીઓની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે.

Shah Jina