રાજ્યમાં શિયાળો જામી રહ્યો છે, પણ કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતવાસીઓએ હવે સ્વેટરની સાથે સાથે રેઈનકોટ પહેરવા પણ તૈયાર રહેવુ પડશે. હવામાન વિભાગે 27-28 ડિસેમ્બરે અલગ અલગ જિલ્લાઓમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ શુષ્ક વાતાવરણ પ્રવર્તશે, જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે.
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 27 ડિસેમ્બરના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ભાગોમાં દ્વારકા, પોરબંદર, ભાવનગર, મોરબીનો સમાવેશ થાય છે. 28 ડિસેમ્બરની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તેમજ પૂર્વ ગુજરાતના મધ્યપ્રદેશને અડીને આવેલ છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતમાં નર્મદા, વલસાડ દમણ અને નગર હવેલીમાં હળવા વરસાદની આગાહી કરાઇ છે. હાલમાં રાજ્યમાં શિયાળો બરાબરનો જામેલો છે.
છેલ્લા 24 કલાક દરમિયાન નલિયા, પોરબંદર અને રાજકોટમાં કોલ્ડવેવ જોવા મળી હતી. નલિયામાં લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી સેલ્સિયસ જ્યારે પોરબંદરમાં 10.5 અને રાજકોટમાં 9.4 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ તેમજ ગાંધીનગરમાં 14 ડિગ્રી જેટલુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી ત્રણ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટી વધઘટ જોવા નહિ મળે. આ પછી તાપમાન બે થી ત્રણ ડિગ્રી જેટલું વધશે. અરબસાગર પરથી ગુજરાત તરફ ભેજ આવશે. ઈસ્ટરલી અને સાઉથવેસ્ટરલી પવનો ભેગા થવાથી ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે.