સદીના મહાનાયક અને સુપરસ્ટાર એટલે અમિતાભ બચ્ચન, જેને ઓળખવા કોઈને પરિચયની જરૂર નથી. પાનના ગલ્લા હોય કે ઓટલા પરિષદ, બધે જ બિગ બીની અભિનય કળાની ચર્ચાઓ ગાજતી હોય છે. આવાં જ એક ગુજરાતી કલાકાર, જેમની ઉંમર બિગ બીથી વધુ હતી અને અભિનયમાં પણ તે સવાયા સાબિત થયા હતા.’એક ડાળના પંખી’ ફેમ ‘રમણકાકા’, એટલે કે પ્રલય રાવલ, હવે આપણી વચ્ચે નથી રહ્યા. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે તેમની ઉણપ હંમેશા અનુભવાશે.એક સમય હતો જ્યારે ગુજરાતી નાટકનો પોતાનો એક સુવર્ણ યુગ હતો. લોકો ખાસ સમય કાઢીને નાટકો જોવા જતાં, અને સ્ટેજ પરના પાત્રો જીવંત લાગે તેવો અભિનય કરવાની કળા કેટલાક કલાકારોએ ઉંડાણથી શીખી હતી.
આવા જ ગુજરાતી નાટક અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રતિભાશાળી અને લોકપ્રિય કલાકાર હતા પ્રલય રાવલ. તેમણે ત્રણ પેઢી સુધી લોકોનું મનોરંજન કર્યું અને તેમની અભિનય ક્ષમતા શ્રેષ્ઠતા સુધી પહોંચેલી. આજની પેઢી તેમને પ્રેમથી ‘પ્રલય દાદા’ કહી બોલાવતી. આજે પ્રલય દાદા 85 વર્ષની ઉંમરે ગુજરી ગયા, ત્યારે આવો, તેમની યાદગાર અને ગૌરવભરી અભિનય યાત્રાને ફરી એકવાર નિહાળીએ.મૂળ અમદાવાદમાં જન્મેલા પ્રલય રાવલની અભિનય યાત્રાની શરૂઆત ગુજરાતી નાટકોથી થઈ. નાટ્યપ્રવેશ કરતા પહેલા, તેમણે અભ્યાસ પૂર્ણ કરીને સરકારી નોકરી મેળવી, પરંતુ મહાગુજરાત ચળવળ શરૂ થતા, આ ઉશ્કેરાટને વધુ વેગ આપવા માટે તેમની પોળમાં ‘શહીદ વીર’ નામનું નાટક મંચિત થયું. આ નાટકના દર્શકોમાં ઇન્દુલાલ યાજ્ઞિક, પ્રેમકુમાર ભટ્ટ, અશોક ભટ્ટ અને પ્રોફેસર એસ. આર. ભટ્ટ જેવા મહાનુભાવો ઉપસ્થિત હતા. પ્રલય દાદા માટે આ પ્રથમ પરકાયા પ્રવેશ હતો.
આ પ્રસંગને યાદ કરતા તેઓ હંમેશા કહતા: “આ મહાનુભવોને ઓડિયન્સમાં બેઠેલા જોઈને એકવાર તો ધ્રુજારી છૂટી ગઈ પછી શું થયું એ ખબર ન પડી. પાત્ર જીવ્યો અને તાળીઓ પડી ત્યારે ખબર પડી કે જે થયું એ બરાબર થયું.”એ સમયગાળો એવો હતો કે માત્ર નાટક પર આધાર રાખીને પરિવાર ચલાવવો મુશ્કેલ હતો. તેથી અન્ય ઘણા કલાકારોની જેમ પ્રલય દાદા પણ પરિવારનું ગુજરાન ચલાવવા માટે સરકારી નોકરી કરતા અને સાઈડમાં નાટક કરતા. ઘણીવાર તેમને નાટકના શો માટે મુંબઈ જવું પડે, જ્યારે તેમની નોકરી અમદાવાદમાં હતી. આવા સંજોગોમાં, તેઓ અઠવાડિયામાં બે વખત અમદાવાદથી મુંબઈ અપ-ડાઉન કરતા. સતત મુસાફરી કરવાથી થાક લાગતો, પરંતુ પ્રલય દાદા હંમેશા ભાવુકતાપૂર્વક કહેતા “જ્યારે થાકીને પ્રેમિકા કે પ્રેમી એક બીજાને મળે અને થાક ઉતરી જાય એ જ રીતે નાટક એ મારો પ્રેમ છે એટલે ત્યાં સ્ટેજ પર જઇને દિવસનો બધો જ થાક ઉતરી જાય છે.”ઉંમર વધતી ગઈ અને સાથે સાથે પ્રલય દાદાના શરીરે અનેક બીમારીઓને આમંત્રિત કરી લીધું. શારીરિક તકલીફો વધતી ગઈ, જ્યારે વાત અભિનયની આવતી, ત્યારે દાદા હંમેશા હસતાં હસતાં કહી નાખતા— “એક્ટિંગ તો જીવવાનું બહાનું છે.”
અભિનય તેમના માટે માત્ર વ્યવસાય નહોતો, તે જ તેમનું જીવન હતું. અને આ જ કારણે, દાદા અંતિમ શ્વાસ સુધી નાટ્યજગત સાથે જોડાયેલા રહ્યા, મંચ અને કેમેરાને સાથી બનાવીને જીવ્યા.જ્યાં પ્રલય રાવલનું નામ આવે, ત્યાં સૌપ્રથમ યાદ આવે દુર્દર્શનની એ પ્રખ્યાત સિરિયલ ‘એક ડાળના પંખી’, જે એક સમયે ઘર ઘરમાં ગુંજી ઉઠી હતી. આ સિરિયલનો એટલો વ્યાપક ક્રેઝ હતો કે સાંજે 4:30 વાગે, લોકો પોતાના બધા કામ છોડી, ટીવી સામે ગોઠવાઈ જતાં. આ શોમાં ‘રમણકાકા’ તરીકેની તેમની ભૂમિકા એટલી અસરકારક હતી કે પ્રલય રાવલ સમગ્ર ગુજરાતમાં ઓળખાઈ ગયા. આ પાત્રે તેમને એક વિશાળ ચાહકવર્ગ આપ્યો અને તેમની પ્રભાવશાળી અભિનયયાત્રાને વધુ ગતિ આપી. આ સિરિયલ સતત 8 વર્ષ સુધી ચાલી, અને તેમાં તેમના અભિનયને કારણે ‘રમણકાકા’ દરેક ઘરમાં એક ઓળખીતી છબી બની ગયા. માત્ર ગુજરાતી નાટ્ય અને સિનેમા જ નહીં, 50થી વધુ ફિલ્મોમાં તેઓએ પોતાનું યોગદાન આપ્યું.
પ્રલય દાદાએ બોલિવૂડની મોટી ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો ઠસ્સો છોડી ગયો. આજે, દાદા આપણી વચ્ચે નથી, પણ તેમનો અવાજ, તેમની શૈલી અને તેમની કલા હંમેશા યાદ રહી જશે.હિન્દી સિનેમાની સફરની વાત કરીએ તો, જો તમે રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર’ જોઈ હોય, તો તમે ચોક્કસ સ્ક્રીન પર પ્રલય દાદાને જોયા હશે. હાલાકી, દાદાએ આ ફિલ્મ માટે ઓડિશન આપવાની શરૂઆતમાં ના પાડી હતી. હવે, 85 વર્ષની ઉંમરે યશરાજ બેનરથી રોલ મળે એ કોઈ સામાન્ય વાત નહોતી, છતાં દાદા ઓડિશન આપવા તૈયાર નહોતા.આખરે, યશરાજની ટીમ તેમના ઘરે પહોંચી, અને ત્યાં જ ઓડિશન લેવામાં આવ્યું.
આશ્ચર્યની વાત એ હતી કે બીજા જ દિવસે તેઓને A+ ગ્રેડ સાથે ફિલ્મ માટે સિલેક્ટ કરાયા. એટલે કે, સેટ પર તેમને વેનિટી વેન, સ્પોટબોય અને તમામ સવલતો આપવામાં આવી. આ ફિલ્મ વિશે પોતાનો અનુભવ શેર કરતા, પ્રલય દાદા હંમેશા ઉત્સાહભર્યું કહી જતા “કદાચ હું ઓડિશન ના આપત, તો આ અનુભવથી વંચિત રહી જત, પણ એકવાર કેમેરા સામે આવ્યો, અને નિર્દેશક ‘એકશન’ બોલ્યો, ત્યાંથી બધું જ સહેલું લાગી ગયું”પ્રલય દાદા એક એવો કલાકાર હતા, જેમણે ઉંમર કોઈપણ અવરોધ બની રહે તે પહેલા જ તેને પાશ ફેરવી નાખી.
ઉંમર વધવા છતાં, તેમનો અભિનય પ્રત્યેનો પ્રેમ કદી મરાયો નહી. તેઓ વધી ગયેલી ઉંમરે ફિલ્મો ખાસ કરતાં નહોતા, તેમ છતાં જીવ્યા ત્યાં સુધી સિનેમા અને અભિનયને સહારે જીવી રહ્યા. આ દુનિયાને અલવિદા કહેતા પહેલા, તેમણે ગુજરાતી ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’માં, બિગ બી સાથે પણ સ્ક્રીન શેર કરી. આ એક ગૌરવની વાત છે.‘એક ડાળના પંખી’થી લઈને ‘ફક્ત પુરુષો માટે’ સુધીનું તેમનું યાત્રાપથ, ચાહકોના હૃદયમાં કાયમ જીવંત રહેશે. ગુજ્જુ રોકસ ટીમ તરફથી પ્રલય દાદાને ભાવભીની શ્રદ્ધાંજલિ!