ગુજરાતમાં આગામી દિવસો માટે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 12થી 18 જુલાઈ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાવાની શક્યતા છે. જ્યારે 13થી 16 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના પગલે પંચમહાલ, મહીસાગર, સાબરકાંઠા, બનાસકાંઠા અને કચ્છ સહિતના ઉત્તર ગુજરાત તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મુજબ 12થી 16 જુલાઈ દરમિયાન હળવાથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. 13 જુલાઈએ સૌરાષ્ટ્ર-કચ્છ માટે ખાસ કરીને ભારેથી અતિભારે વરસાદની શક્યતા દર્શાવાઈ છે. અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને તીવ્ર પવન ફૂંકાવાની આગાહી છે.આગામી 5 દિવસમાં દરિયાકાંઠે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે, અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે.
26 થી 30 જુલાઈ વચ્ચે સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો ગુજરાતના અનેક વિસ્તારોમાં 8 થી 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાવાની શક્યતા પણ વ્યક્ત કરી છે.હાલ 2 અલગ સિસ્ટમની અસરથી વરસાદી પરિસ્થિતિ વધુ ગાઢ બની રહી છે. ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી રાજ્યમાં સામાન્ય કરતાં 94% જેટલો વરસાદ નોંધાયો છે.