તેલંગાણાના 23 વર્ષીય વિદ્યાર્થીનું અમેરિકામાં મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીના જન્મદિવસ પર તેની બંદૂકથી ભૂલથી ફાયરિંગ થઈ ગયું, જેના કારણે તેનું મોત થઈ ગયું. આ ઘટના 13 નવેમ્બરે બની હતી. રીપોર્ટ્સ અનુસાર મૃતકનું નામ આર્યન રેડ્ડી છે. તે તેલંગાણાના ઉપ્પલનો રહેવાસી હતો. તે જોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરી રહ્યો હતો.
મીડિયા રિપોર્ટ્સમાં ખુલાસો થયો કે આર્યન પાસે અમેરિકામાં શિકારની બંદૂકનું લાઇસન્સ હતું. મીડિયા સાથે વાત કરતા આર્યનના પિતાએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું અને લોકોને વિનંતી કરી કે તેઓ તેમના બાળકોને વિદેશમાં અભ્યાસ કરતી વખતે બંદૂકનું લાઇસન્સ મેળવવા અંગે સાવચેત રહેવા સમજાવે. તેમણે કહ્યું, “અમને કોઈ ખ્યાલ ન હતો કે વિદ્યાર્થીઓ ત્યાં શિકાર માટે બંદૂકનું લાઇસન્સ મેળવી શકે છે. કોઈ પણ માતા-પિતાને ક્યારેય આવી દુર્ઘટનાનો સામનો કરવો ન જોઈએ.”
ડેટામાં આપવામાં આવેલ આંકડા દર્શાવે છે કે વર્ષ 2023-24માં ભારતમાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓને અમેરિકન યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે મોકલવામાં આવ્યા છે. અગાઉ ચીન ટોચ પર હતું. આ વર્ષે ભારતે તેને પાછળ છોડી દીધું છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણામાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ ગયા છે. આ બંને રાજ્યોમાંથી લગભગ 56 ટકા ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા ગયા છે. 34 ટકા તેલંગાણાના અને 22 ટકા આંધ્રપ્રદેશના છે.