2 people died of heart attack in Rajkot : ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને યુવાનોને હાર્ટ એટેક આવવાની ઘટનાઓ વધુ જોવા મળી રહી છે, કોઈને જિમમાં કસરત કરતા કરતા હાર્ટ એટેક આવી રહ્યા છે તો કોઈને ચાલતા ચાલતા પણ હાર્ટ એટેક આવે છે તો કોઈને ક્રિકેટ કે કોઈ રમત રમવા દરમિયાન પણ હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ગઈકાલે જન્માષ્ટમીના પાવન પર્વ પર જ ગુજરાતમાંથી બે હાર્ટ એટેકના મામલાઓ સામે આવ્યા છે.
25 વર્ષીય યુવકનું મોત :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં જન્માષ્ટમીના કાર્યક્રમની ઉજવણી કરી રહેલા 25 વર્ષીય જતીન સરવૈયાનું હાર્ટ એટેક આવવાના કારણે નિધન થયું છે. આ ઘટના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાન ચોક નજીક બની હતી. ગઈકાલે દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર ખુબ જ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો. ત્યારે જતીન પણ રાજકોટમાં આ જન્માષ્ટમીનો ઉત્સવ માનવવા માટે પહોંચ્યો હતો. ચાલુ કર્યક્રમમાં જ જતીનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
પરિવારમાં શોક :
છાતીમાં દુખાવો ઉપડતા જ તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. પરંતુ ત્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જતીનના મોતના સમાચાર મળતા જ તેના પરિવારજનો અને સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. તો હાર્ટ એટેકના કારણે વધુ એક મોતનો મામલો જેતપુરમાંથી પણ સામે આવ્યો છે. જ્યાં પણ એક 26 વર્ષના આશાસ્પદ યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત નીપજ્યું હતું.
જેતપુરમાં પણ યુવકનું મોત :
આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર જેતપુરના પંચવટી વિસ્તારમાં રહેતા 26 વર્ષીય વિજય મેઘનાથી નામના યુવકને હાર્ટ એટકે આવ્યો હતો. યુવકને તકલીફ થતા જ તેને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં પણ તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. વિજય મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચાલવી રહ્યો હતો, ત્યારે તેના અકાળે મોતથી પરિવારમાં માતમ છવાઈ ગયો છે.