બિહારની રહેવાસી પ્રિયા રાનીએ પોતાના જીવનની શરૂઆત ખૂબ જ મુશ્કેલ સમયમાં કરી હતી. જ્યારે તે નાની હતી ત્યારે ગામના લોકો તેના અભ્યાસની વિરુદ્ધ હતા. પરંતુ તેણે હિંમત ના હારી અને શહેરમાં તેના માતા-પિતા સાથે રહેવા આવી. પ્રિયા ભણી શકે તે માટે તેના માતા-પિતાએ ખૂબ મહેનત કરી. આજે એ જ લોકો તેની સફળતાનો જશ્ન મનાવી રહ્યા છે જેણે તેના શિક્ષણનો વિરોધ કર્યો હતો. પ્રિયા રાની IAS ઓફિસર છે અને સોશિયલ મીડિયા પર પણ ઘણી ફેમસ છે.
પ્રિયા ફુલવારી શરીફના કુડકુરી ગામની છે. તેણે UPSC પરીક્ષામાં 69મો રેન્ક મેળવીને બિહારનું ગૌરવ વધાર્યું. ગામમાં ઉછરેલી પ્રિયાને તેના અભ્યાસ માટે ઘણા વિરોધનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તેના દાદાએ તેને પૂરો સાથ આપ્યો અને અભ્યાસમાં મદદ કરી. તેના નિશ્ચય અને સમર્પણને કારણે જ પ્રિયા આજે IAS ઓફિસર બની છે. પ્રિયા જણાવે છે કે લગભગ 20 વર્ષ પહેલા તેના દાદા તેને સારા અભ્યાસ માટે પટના લઈ ગયા હતા.
ગામમાં કન્યા કેળવણીનો ઘણો વિરોધ થયો હતો, પરંતુ તેના દાદા અને પિતાએ તેનો સાથ ના છોડ્યો. પ્રિયાએ પટનામાં ભાડાના મકાનમાં રહીને પોતાનો અભ્યાસ પૂરો કર્યો, બીઆઈટી મેસરામાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કર્યા પછી પ્રિયાએ યુપીએસસીની તૈયારી શરૂ કરી અને બીજા પ્રયાસમાં તેને ઈન્ડિયન ડિફેન્સ સર્વિસમાં નોકરી મળી. જો કે તેનું આઈએએસ બનવાનું સપનું અધૂરું રહી ગયું.
ત્રીજા પ્રયાસમાં નિષ્ફળ જવા છતાં તેણે હિંમત ના હારી અને ચોથા પ્રયાસમાં તે IAS બની. પ્રિયા કહે છે કે તેની સફળતાનું રહસ્ય નિયમિત અભ્યાસ અને સખત મહેનત છે. તે દરરોજ સવારે 4 વાગ્યે અભ્યાસ માટે જાગી જતી. તેણે અર્થશાસ્ત્રને પોતાનો મુખ્ય વિષય બનાવ્યો અને NCERT પુસ્તકો અને અખબારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. તેનું માનવું છે કે શિક્ષણ એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે.
તે યુવાનોને તેમના લક્ષ્ય પ્રત્યે સમર્પિત રહેવા અને સખત મહેનત કરવાની સલાહ આપે છે. પ્રિયાની કહાની સમગ્ર બિહાર માટે પ્રેરણા બની છે. તે કહે છે કે છોકરીઓ પણ ઘણું કરી શકે છે અને પરંતુ તેમને તેમના સપના પૂરા કરવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ.સમાજમાં છોકરીઓને શિક્ષા અને આગળ વધવુ ઘણુ જરૂરી છે. જે લોકો પહેલાથી તેના અભ્યાસના વિરોધ કરતા હતા તે આજે તેની સફળતા પર ગર્વ મહેસૂસ કરી રહ્યા છે. પ્રિયાએ એ સાબિત કર્યું છે કે મહેનત અને સમર્પણથી કોઈપણ પદ હાંસલ કરી શકાય છે.
તેની કહાનીએ ઘણા લોકોને પ્રેરણા આપી છે કે કેવી રીતે હિંમત અને સમર્પણ સાથે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે. તેનામાં ક્યારેય વિશ્વાસ ન કરનારા લોકો પણ હવે તેની સફળતાની ઉજવણી કરી રહ્યા છે, જે દર્શાવે છે કે શિક્ષણ અને પ્રબળ ઈચ્છાશક્તિ કેટલી શક્તિશાળી હોઈ શકે છે.