પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાના સૌથી વ્યસ્ત બજારોમાંના એક ઠાકુરપુકુર બજારમાં રવિવારે સવારે એક કારે ભીડને ટક્કર મારી દીધી જેના કારણે એક વ્યક્તિનું મોત થયું હતું હોવાના અહેવાલ છે, આ ઉપરાંત ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે કારમાં એક ટીવી સિરિયલ ડિરેક્ટર અને એક લોકપ્રિય બંગાળી મનોરંજન ચેનલના એક્ઝિક્યુટિવ નિર્માતા સવાર હતા.
ઘટના પછી સ્થાનિક લોકોએ બંનેને રોકીને પકડી લીધા અને ઉશ્કેરાયેલા ટોળાએ તેમને માર માર્યો. આ પછી સિદ્ધાંત દાસ ઉર્ફે વિક્ટોની ઠાકુરપુકુર પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી. વિક્ટો બંગાળી ફિલ્મ ઉદ્યોગમાં કામ કરતા દિગ્દર્શક છે. પોલીસે જણાવ્યું હતુ કે અકસ્માત સમયે તે કાર ચલાવી રહ્યા હતા. આ કારમાં એક મહિલા સહ-મુસાફર, શ્રિયા બસુ પણ હતી, જે એક બંગાળી મનોરંજન ચેનલની એક્ઝિક્યુટિવ નિર્માતા છે, જેને પોલીસે ઉશ્કેરાયેલા ટોળાથી બચાવી અને પરિવારને સોંપી દીધી.
ઇન્ડિયા ટુડેના રીપોર્ટ અનુસાર, તેમની દૈનિક સિરિયલની સફળતાની ઉજવણી કરવા માટે તેઓએ શનિવારે રાત્રે કોલકાતાના સાઉથ સિટી મોલના એક બારમાં મધ્યરાત્રિ સુધી સાથે પાર્ટી કરી હતી. તેમાંથી મોટાભાગના લોકોએ દારૂ પીધો અને રાત્રે 2 વાગ્યાની આસપાસ બાર છોડી દીધો, જ્યારે સિદ્ધાંત દાસ અને શ્રિયા બસુએ શહેરમાં ફરવાનું શરૂ કર્યુ. નશાની હાલતમાં ડ્રાઇવ કરતા રવિવારે સવારે કાર અચાનક ઠાકુરપુકુર બજારમાં ઘૂસી ગઈ અને એક પછી એક લોકોને ટક્કર મારી. એક પ્રત્યક્ષદર્શીએ દાવો કર્યો હતો કે, “કાર બિષ્ણુપુરથી આવી રહી હતી, અકસ્માત પછી અમને કારમાં એક મુસાફર મળ્યો.”
કોલકાતા પોલીસે જણાવ્યું હતું કે, “9:30 વાગ્યાની આસપાસ, ઠાકુરપુકુર માર્કેટ નજીક ડાયમંડ હાર્બર રોડ પર એક કાર અનેક રાહદારીઓને કચડી ગઈ હતી. આ અકસ્માતમાં 6 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે, ઠાકુરપુકુર પોલીસે કાર અને ડ્રાઇવરને કબજે કરી લીધા છે. કારના ડ્રાઇવર સિદ્ધાંત દાસ ઉર્ફે વિક્ટોની ધરપકડ કરવામાં આવી હતી અને કારમાં હાજર શ્રિયા બસુને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા 6 લોકોમાંથી એકની હાલત ખૂબ જ ગંભીર હતી અને તેનું મોત નીપજ્યું છે.
