હાલ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે,જે 28 માર્ચે પૂર્ણ થશે. ત્યારે છેલ્લા બે દિવસમાં સરકાર દ્વારા વિવિધ મહત્વના બિલો રજૂ કરવાના છે. આ વચ્ચે ગુજરાત વિધાનસભાની ગેલેરીમાં આજે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના 15-16 કલાકારોએ હાજરી આપી હતી. આમ તો વિધાનસભા અધ્યક્ષ તેમજ મંત્રીઓ દ્વારા 300થી વધુ ફિલ્મ કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે આમંત્રિત કરાયેલા ઘણા કલાકરો શૂટિંગમા વ્યસ્ત હોવાના કારણે હાજર ન રહી શકતા માફીનો સંદેશ મોકલાવ્યો હતો.
ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ વિધાનસભાની કામગીરીને નજીકથી નિહાળી શકે એ માટે 300 જેટલા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. ત્યારે આજે હિતુ કનોડિયા-મોના થીબા, મલ્હાર ઠાકર-પૂજા જોષી, ભવ્ય ગાંધી અને હિતેન કુમાર, સિદ્ધાર્થ રાંદેરીયા સહિત કેટલાક કલાકારો વિધાનસભા પહોંચ્યા હતા.
વિક્રમ ઠાકોરની ગેરહાજરીને લઇને અનેક ચર્ચાઓ થઇ રહી હતી, જો કે આ મામલે હિતુ કનોડિયાએ જણાવ્યું કે- વિક્રમ ઠાકોરને પણ વિધાનસભામાં આવવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. પરંતુ વિક્રમ ઠાકોર આવશે કે નહીં તેનું હજુ સુધી કોઈ કન્ફર્મેશન નથી આવ્યું. અમે સૌથી પહેલા આજના દિવસ માટે વિક્રમ ઠાકોરને જ આમંત્રણ આપ્યું છે.
આવતીકાલ માટે પણ તેમને આમંત્રણ આપ્યું છે. જો કે તેમના કન્ફોર્મેશનની રાહ જોવાઇ રહી છે. જણાવી દઇએ કે, ગુજરાત વિધાનસભા ગૃહમાં રાજકીય કાર્યવાહી નિહાળવા માટે ગુજરાતના પ્રખ્યાત કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં માયાભાઈ આહીર, રાજભા ગઢવી, કિર્તીદાન ગઢવી અને ગીતા રબારી, કિંજલ દવે સહિતના કલાકારોને બોલાવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના કોઈપણ કલાકારોને બોલાવવામાં ન આવતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી હતી.
જણાવી દઇએ કે, અગાઉ ક્યારેય ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના કલાકારોને વિધાનસભામાં આવી રીતે આમંત્રણ નથી અપાયુ. એટલે આ એક નવી પહેલ છે. જે પણ કલાકારો હાજર રહ્યા હતા તેમનું મંત્રીઓ અને ધારાસભ્યો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતુ. એક રીપોર્ટ અનુસાર, કેટલાંક સમર્થકોમાં વિક્રમ ઠાકોરની ગેરહાજરી અંગે પ્રશ્નો ઉઠ્યા હતા પણ હિતુ કનોડિયાએ સ્પષ્ટતા આપતા જણાવ્યું કે- સૌપ્રથમ વિક્રમ ઠાકોરને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તેઓ આવી શક્યા નહીં.
