Suratમાં ક્રિકેટ રમતા યુવકને છાતીમાં બોલ વાગતા મોત, દેસાઈ ગ્રાઉન્ડમાં બની ઘટના
સુરતમાંથી હાલમાં એક દુખદ ખબર સામે આવી, ક્રિકેટ મેચ દરમિયાન એક યુવકનું બોલ વાગવાથી મોત થઇ ગયુ. 25 વર્ષીય પાર્થ સુરતી ક્રિકેટ મેચમાં અમ્પાયર બન્યો હતો અને તેનું બોલ વાગવાથી મોત નીપજ્યું. આ ઘટના રિંગ રોડ સ્થિત વી.બી દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બની હતી. ફાસ્ટ બોલ છાતીમાં વાગવાને કારણે યુવક ઢળી પડ્યો અને બાદમાં તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો પણ ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવાર અને ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ.
પ્રાથમિક તપાસમાં બોલના આઘાતથી હાર્ટએટેક આવ્યો હોવાનું કહેવાઇ રહ્યુ છે. મૃતક સ્કૂલમાં પી.ટી શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો. પાર્થ રાજેશભાઈ સુરતીને એક ભાઈ છે અને તેના પિતા હાલ નિવૃત્ત જીવન જીવે છે. રવિવારની રજા હોવાથી પાર્થ સાથી મિત્રો સાથે સવારે આઉટર રિંગરોડ ખાતે આવેલા વી. બી. દેસાઈ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેચ રમવા ગયો હતો અને આ દરમિયાન અમ્પાયરની ભૂમિકા વખતે તેને છાતીમાં બોલ વાગ્યો, જેના કારણે તે બેભાન થઈ ઢળી પડ્યો.
