નવસારી : વર્ષો સુધી બે-બે પ્રેમિકાઓ સાથે લિવઇનમાં રહેતો યુવક, આજે એક જ મંડપમાં ત્રણેય સાથે લેશે ફેરા, જુઓ તસવીરો
નવસારીના વાંસદાના ખાનપુર ગામમાં 19 મેએ સોમવારે એક અનોખા લગ્ન થઇ રહ્યા છે, જેની ચર્ચા રાજ્યભરમાં થઈ રહી છે. 36 વર્ષીય મેઘરાજ દેશમુખ બે યુવતિઓ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. તેમના લગ્નનું કાર્ડ પણ સામે આવ્યું છે. લગ્ન કાર્ડ પર વરરાજા અને બંને દુલ્હનોના નામ છપાયેલા છે, જે જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા છે. જેના કારણે આ લગ્નની ચર્ચા જોરશોરથી થઈ રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણેયના પ્રેમ લગ્ન છે. મેઘરાજભાઈ છેલ્લા 16 વર્ષથી આ બે મહિલાઓ સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. મેઘરાજભાઈએ જણાવ્યું કે તેમને પહેલા કાજલ ગાવિત સાથે પ્રેમ થયો અને બંનેએ 2010 માં સગાઈ કરી. થોડા વર્ષો પછી મેઘરાજભાઈને કેલિયા ગામની રેખાબેન સાથે પણ પ્રેમ થઈ ગયો અને 2013 માં તેમની સાથે પણ સગાઈ કરી. આ પછી, મેઘરાજભાઈ બંને મહિલાઓ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવા લાગ્યા.
આ દરમિયાન તેમને કાજલથી બે બાળકો અને રેખાથી એક પુત્ર થયો. હવે જ્યારે બધાના પરિવારો આ સંબંધથી ખુશ છે ત્યારે ત્રણેય એક જ મંડપમાં લગ્નના બંધનમાં બંધાશે. વાસ્તવમાં આ લગ્ન આદિવાસી સમાજ “ચાંદલાવિધિ” અથવા “ફુલહાર” ની એક ખાસ પરંપરા સાથે સંબંધિત છે. આમાં, છોકરો અને છોકરી લગ્ન પહેલા પતિ-પત્નીની જેમ સાથે રહી શકે છે. જ્યારે તેઓ આર્થિક રીતે સક્ષમ બને છે ત્યારે તેઓ સામાજિક અને ધાર્મિક રીતરિવાજો અનુસાર લગ્ન કરે છે.
મેઘરાજભાઈ પણ વર્ષોથી બંને છોકરીઓ સાથે એ જ પરંપરા મુજબ રહેતા હતા અને હવે તેઓ તેમના સંબંધને ઔપચારિક બનાવવા જઈ રહ્યા હતા. જ્યારે લગ્નનું કાર્ડ જાહેર થયું, ત્યારે તેમાં ત્રણ નામ જોઈને બધા ચોંકી ગયા. ઘણા લોકો તેને સાચા પ્રેમનું ઉદાહરણ કહી રહ્યા છે, તો કેટલાક આદિવાસી પરંપરા વિશે માહિતી મેળવી રહ્યા છે. મેઘરાજભાઈને ફક્ત વાંસદાથી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી લગ્નના અભિનંદન અને ફોન આવી રહ્યા છે.
