સુરતના ભેસ્તાન વિસ્તારમાંથી ગાયબ થયેલી 16 વર્ષીય તરુણીનો મૃતદેહ મળતાં હડકંપ મચી ગયો છે. ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની મિત્રના ઘરેથી પરત ન આવતાં શોધખોળ આરંભ કરી હતી. જે પછી બાંધકામ સ્થળ પરથી મૃત અવસ્થામાં મળતાં પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરામાં બાંધકામ સાઈટ પરથી ધોરણ-10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. નોંધનીય છે કે, સગીરા ગતરોજ સાંજે 8 વાગ્યે તેની બેનપણીના ઘરે ગયા બાદ પરત આવી ન હતી તેમજ પરિવારજનોના ફોન પણ ઉપાડ્યા ન હતા. જેને લઈને શોધખોળ શરૂ કરી હતી.
સગીરા ન મળતાં કુટુંબે તાત્કાલિક ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસે તપાસ હાથ ધરતાં સગીરા પાંડેસરા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે પોલીસ પાંડેસરા વિસ્તારમાં સપનોલોક બાંધકામ સાઇટ ઉપર પહોંચી હતી. પરંતુ ત્યાં પહોંચતાં જ તરુણી મૃત અવસ્થામાં મળી હતી. હાલ આ મામલે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ પાંડેસરા પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે અને કિશોરીના મોતના કારણોને લઈને વિવિધ એંગલથી તપાસ ચાલી રહી છે.
