10 ઓગસ્ટની મોડીરાત્રે દોઢ વાગ્યે અમદાવાદના નહેરુનગરના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે ગંભીર અકસ્માત થયો હતો, જેમાં બ્રેઝા કારચાલક રોહન સોનીએ પૂરપાટ ઝડપે કાર હંકારતાં એક્ટિવાસવાર બે યુવકનાં મોત થયાં હતાં. આજે (12 ઓગસ્ટ) આરોપી રોહન સોનીને અમદાવાદ મેટ્રો કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
જોકે પોલીસ જ્યારે આરોપીને લઈ મેટ્રો કોર્ટ પહોંચી ત્યારે પોલીસ વાનમાંથી આરોપીને બહાર કાઢતાં જ લોકોએ રોહન સોનીને માર માર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં રજૂ કરાતા પહેલા આક્રોશમાં આવેલા લોકોએ રોહન સોનીની કોર્ટ પરિસરમાં ધોલાઈ કરી હતી. પોલીસે વચ્ચે પડીને આરોપીને જેમતેમ કરીને કોર્ટમાં પહોંચાડ્યો હતો.જણાવી દઈએ કે અમદાવાદ શહેરના નહેરુનગરના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેશન પાસે 10 ઓગસ્ટની મોડી રાતે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા પર જઈ રહેલા અકરમ કુરેશી અને અશફાક અજમેરી નામના યુવકને બ્રેઝા કારચાલક રોહન સોની નામના યુવકે પૂરપાટ ઝડપે ટક્કર મારી હતી, જેના કારણે એક્ટિવાચાલક અને તેની પાછળ બેઠેલો યુવક 100 ફૂટ સુધી ફંગોળાયા હતા.
અકસ્માતમાં બંને યુવકનાં મોત થયાં છે. મૃતકો જમાલપુરના રહેવાસી હતા. આ સમગ્ર ઘટના CCTV પણ સામે આવ્યા હતા. જેમાં જાણવા મળી રહ્યું છે કે રોહન સોની અન્ય કાર સાથે રેસ લગાવી રહ્યો હતો જેના પરિણામે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જો કે પોલીસે આ મામલે પુષ્ટિ કરી નથી પરંતુ પુરાવા એકઠા કરીને તપાસ માટે મોકલી આપ્યા છે.નોંધનીય છે કે આરોપી કારચાલક રોહન સોની વિરુદ્ધ અગાઉ પણ ઓવરસ્પીડ, કારમાં ડાર્ક ફિલ્મ, ડોક્યુમેન્ટ વિના વાહન ચલાવવું અને પોલીસ સાથે ઘર્ષણ જેવા અનેક મેમો નોંધાઈ ચૂક્યા છે.
