જ્યારે પણ તમે લોકોને તેમના સ્વપ્નની નોકરી વિશે પૂછો છો, ત્યારે જવાબો અલગ અલગ હશે – પરંતુ બધા જવાબોમાં એક વસ્તુ સામાન્ય હશે અને તે છે ઊંઘ. હા, દરેક વ્યક્તિ એવી નોકરી મેળવવા માંગે છે જેમાં “આખો દિવસ સૂવા માટે પૈસા મળે”. આવી સ્થિતિમાં, જો અમે તમને કહીએ કે આવી નોકરી મેળવવી શક્ય છે, તો શું તમે માનશો ?
ખરેખર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોવા મળી રહ્યુ છે કે એક વ્યક્તિને સૂવાના પૈસા મળી રહ્યા છે. વાસ્તવમાં આ વાયરલ વીડિયો બેંગલુરુનો છે, જેમાં એક માણસ ડિસ્પ્લે ટ્રકની અંદર ગાદલા પર શાંતિથી સૂઈ રહ્યો છે. આ વ્યક્તિ ગાદીની જાહેરાત કરી રહ્યો છે. આ ડિસ્પ્લે ટ્રક એક નાના રૂમની જેમ ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં બેડ, એર કન્ડીશનીંગ અને ટેલિવિઝન છે અને તે માણસ આરામદાયક સ્થિતિમાં આરામથી સૂઈ રહ્યો છે.
જણાવી દઈએ કે, જેણે પણ આ વીડિયો શેર કર્યો છે, તેણે ઓવરલે ટેક્સ્ટમાં લખ્યું છે, “બેંગ્લોરમાં મારી ડ્રીમ જોબ”. આ સાથે ટ્રક પર ગાદીની જાહેરાત કરતો મેસેજલખેલો છે, “સારી ઊંઘ અહીંથી શરૂ થાય છે”. બેંગ્લોરના એક અજાણ્યા રસ્તા પર એક રાહદારી દ્વારા રેકોર્ડ કરાયેલા આ વીડિયોએ ઘણા લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
