રતન ટાટાએ તેમની 3800 કરોડ રૂપિયાની મિલકતના વિભાજન માટે વસિયત બનાવી હતી. હવે આ વસિયતનો ખુલાસો થઈ ગયો છે. જેમાં જિમી ટાટાને તેમનો જુહુ બંગલો અને તેમના ઘરેણાં મળ્યા. મુંબઈના કોલાબામાં ગુમનામ જીવન જીવતા જિમી ટાટાનો રતન ટાટા સાથે ઊંડો સંબંધ છે. વો દિન બડે ખુશનુમા થે, જબ હમારે દરમ્યાન કોઇ નહી થા…. રતન ટાટાએ પોતાના સોશિયલ મીડિયા પર 1945ની તસવીર શેર કરતી વખતે આ પંક્તિઓ લખી હતી.
આ બ્લેક એન્ડ વ્હાઇટ ફોટામાં બે છોકરાઓ અને એક પાલતુ શ્વાન હતો. તમે તેમાંથી એકને સરળતાથી ઓળખી શકશો, જ્યારે બીજો વ્યક્તિ રતન ટાટાના હૃદયની ખૂબ નજીક હતો. રતન ટાટાએ તેમને પોતાનો જુહુ બંગલો અને ઘરેણાં આપ્યા છે. એક ઉચ્ચ પ્રોફાઇલ વ્યક્તિત્વ જેમના નામમાં ટાટા છે, પરંતુ તેઓ એક સામાન્ય માણસ જેવું જીવન જીવે છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રતન ટાટાના સગા ભાઈ જીમી ટાટા છે. રતન ટાટાએ પોતાના વસિયતનામામાં દરેકનું ધ્યાન રાખ્યું છે.
રતન ટાટાની 3800 કરોડ રૂપિયાની મિલકતમાં સંબંધીઓથી લઈને નોકર, પાડોશીઓ, મિત્રો અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેમણે પોતાના વસિયતનામામાં પોતાના ભાઈ જીમી ટાટાનો પણ સમાવેશ કર્યો છે અને તેમને મુંબઈના જુહુમાં આવેલી પારિવારિક મિલકતનો હિસ્સો આપ્યો છે. ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, રતન ટાટાના જુહુ સ્થિત બંગલાનો એક ભાગ તેમના ભાઈ જીમી નવલ ટાટાને આપવામાં આવશે. આ બંગલો તેમને તેમના પિતા નવલ ટાટા પાસેથી વારસામાં મળ્યો હતો. તેમણે હવે આ બંગલો જીમી ટાટાને સોંપી દીધો છે.
બંગલા ઉપરાંત, 82 વર્ષીય જિમી ટાટાને ચાંદીના વાસણો અને કેટલાક ઘરેણાં પણ મળશે. કરોડોની સંપત્તિ હોવા છતાં જીમી ટાટા 2BHK ફ્લેટમાં સામાન્ય માણસની જેમ રહે છે. તેમની આસપાસ રહેતા મોટાભાગના લોકોને ખબર પણ નથી કે તેઓ રતન ટાટાના ભાઈ છે. તેઓ મુંબઈના કોલાબામાં એક સાદા એપાર્ટમેન્ટમાં બે રૂમના ફ્લેટમાં રહે છે. ના કોઈ તામજામ અને ના કોઈ સિક્યોરિટી. તેમના ઘરમાં ન તો ટીવી છે અને ન તો તેમની પાસે મોબાઈલ ફોન. તેમને અખબારોમાંથી દેશ અને દુનિયાના સમાચાર મળે છે.
ઉદ્યોગપતિ હર્ષ ગોયેન્કાએ એકવાર ટ્વિટ કરી લખ્યુ હતું કે જિમી એક મહાન સ્કૈશ પ્લેયર છે, જેમનાથી તે ક્યારેય નથી જીતી શકતા. તેમણે જિમી ટાટાની સાદગીની પ્રશંસા કરતા લખ્યું- જિમી ખૂબ જ લો પ્રોફાઇલ જીવન જીવે છે. તેમના મોટા ભાઈ રતન ટાટાની જેમ તેમણે પણ લગ્ન નથી કર્યા. જિમી ટાટા ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. તેમનો ટાટાના શેરમાં હિસ્સો છે.જિમી ટાટા ટાટા સન્સ, ટીસીએસ, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટાટા પાવર, ઇન્ડિયન હોટેલ્સ અને ટાટા કેમિકલ્સના મુખ્ય શેરધારકોમાંના એક છે. જણાવી દઈએ કે જીમી ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. રતન ટાટા અને તેમના ભાઈ જીમી ટાટા એકબીજાની ખૂબ નજીક હતા.
