ભૂમિ ત્રિવેદી પણ ખેલૈયાઓનો જુસ્સો જોઈ સ્ટેજ છોડી ગ્રાઉન્ડ પર ગરબે રમવા થઇ મજબૂર
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર અને સુરતમાં સૌ પ્રથમવાર ચૈત્ર નવરાત્રિની ભવ્ય ઉજવણી થઇ રહી છે, 29 માર્ચથી શરૂ થયેલ આ મહાઉત્સવમાં નવરાત્રીની ધૂમ જોવા મળી રહી છએ. કિંજલ દવે, પૂર્વા મંત્રી અને જીગરદાન ગઢવી બાદ આ કાર્યક્રમમાં 1 એપ્રિલે ભૂમિ ત્રિવેદીએ ધૂમ મચાવી દીધી હતી.
સુરતમાં કોસમાડા ખાતે યોજાઈ રહેલ ચૈત્રી નવરાત્રિના ત્રીજા દિવસે અને આ મહાઉત્સવના ચોથા દિવસે ભૂમિ ત્રિવેદીના તાલે સુરતીઓ ઘૂમી ઉઠ્યા હતા. ખાસ વાત તો એ છે કે ચૈત્રી નવરાત્રિમાં પણ મોટી સંખ્યામાં યુવાઓ ગરબા રમવા માટે પહોંચી રહ્યા છે. જેમાંથી ઘણા એવા છે કે, જેઓ કદાચ પહેલીવાર ચૈત્રી નવરાત્રિથી પરિચિત થઈ રહ્યા છે.
ત્યારે ભૂમિ ત્રિવેદીના એક-એક ગરબા પર ખેલૈયાઓ ઝૂમી ઊઠ્યા હતા. સુરતીઓનો જુસ્સો જોઈને તો ભૂમિ ખુદ સ્ટેજ છોડી ગ્રાઉન્ડમાં ગરબા રમી હતી. ભૂમિએ હોકલિયો ગીત ગાઇ ખેલૈયાઓને મોજ કરાવી દીધી હતી. જ્યારે ભૂમિએ શિવ તાંડવ સ્ત્રોતમ્ ગાયુ હતુ ત્યારે માહોલ ભક્તિમય બની ગયો હતો. ગુજ્જુરોક્સ સાથે વાત કરતા ભૂમિ ત્રિવેદીએ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી.
તેણે કહ્યુ કે સુરસંપદા નવરાત્રિ જે સુરતમાં પહેલી વખત થઇ રહી છે એટલે કે વર્ષમાં પહેલીવાર એવું થયુ છે આ વર્ષે કે એક નહિ પણ બે-બે નવરાત્રિ થઇ છે.ભૂમિએ ખુશી વ્યક્ત કરતા કહ્યુ કે માતાજીના એટલા બધા આશીર્વાદ છે આપણા સૌ ઉપર કે આપણને મોકો મળ્યો. મને ગરબા ગાવાનો મોકો આપ્યો. બધા મન મૂકીને ઝૂમ્યા છે. ખૂબ જ મજા આવી. થેંક્યુ..
જણાવી દઇએ કે, ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર અને સુરતમાં સૌ પ્રથમવાર 29 માર્ચથી 7 એપ્રિલ સુધી સુરતમાં કોસમાડા ચોકડી, આઉટર રીંગ રોડ પર સંપદા સર્કલ પાસે સંપદા ફેસ્ટિવિટી ગ્રાઉન્ડ સ્થિત સુરસંપદા ચૈત્રી નવરાત્રિની ઉજવણી થઇ રહી છે. 7 એપ્રિલ 2025 સુધી ચાલનારા ચૈત્ર નવરાત્રિના આ મહાઉત્સવમાં 10 દિવસ અલગ-અલગ ગુજરાતી કલાકારો ખેલૈયાઓને ગરબાની સાથે સાથે મનોરંજન પણ પૂરુ પાડશે. આ આયોજનને કારણે ગરબા પ્રેમીઓને વર્ષમાં બે વાર મજા પડી જવાની છે.
ગુજરાતના સર્વશ્રેષ્ઠ કલાકારોના પરફોર્મન્સને કારણે તો સોનામાં સુગંધ ભળી જશે. 29 માર્ચે એટલે કે ચૈત્ર નવરાત્રિના આગલા દિવસે કિંજલ દવેએ ઘૂમ મચાવી દીધી હતી. આ પછી પહેલા નોરતે બોલિવુડ સિંગર પૂર્વા મિત્રાએ રમઝટ બોલાવી દીધી. જ્યારે સોમવારે સાંજે જીગરદાન ગઢવીના સૂરે અને મંગળવારે ભૂમિ ત્રિવેદીના સૂરે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા.
