ઝારખંડમાં શ્રાવણ મહિનામાં બાબા વૈદ્યનાથ ધામમાં ચાલી રહેલી કાવડ યાત્રા દરમિયાન એક દુઃખદ માર્ગ અકસ્માત સામે આવ્યો છે. બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થતા 18 કાવડિયાઓના કરૂણ મોત નિપજ્યાં છે. 20થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ જાણકારી બીજેપી નિશિકાંત દુબે દ્વારા ટ્વીટ કરી આપવામાં આવી છે. જણાવ્યું છે કે, ‘મારી લોકસભાના દેવઘરમાં શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા દરમિયાન બસ અને ટ્રક અકસ્માતમાં 18 શ્રદ્ધાળુઓના મોત થયા છે. બાબા વૈદ્યનાથજી તેમના પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.’
સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો બાબા નગરી દેવઘર સ્થિત બાબા બૈજનાથ ધામમાં જલાભિષેક કર્યા બાદ કાવડિયાઓથી ભરેલી બસ દુમકા સ્થિત બાસુકીનાથ મંદિરમાં જલાભિષેક કરવા માટે જઈ રહી હતી. આ દરમિયાન મોહનપુર પોલીસ સ્ટેશન વિસ્તારના જામુનિયામાં કાવડિયાઓથી ભરેલી બસ એલપીજી સિલિન્ડર ભરેલા ટ્રક સાથે ઘડાકાભેર અથડાઈ, ટક્કર એટલી જોરદાર હતી કે 5 કાવડિયાઓના ઘટનાસ્થળે જ દુખદ મોત નિપજ્યાં. હાલમાં દુર્ધટનામાં 18 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. સાથે જ મૃત્યુઆંક વધવાની આશંકા છે.
આ અકસ્માતમાં એક ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તમામ ઘાયલોને દેવઘરની વિવિધ હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. આ અકસ્માત ત્યારે થયો જ્યારે ભક્તો ‘બોલ બમ’ ના નાદ સાથે બાબા વૈદ્યનાથ ધામ તરફ આગળ વધી રહ્યા હતા. આ ભયાનક અથડામણથી વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
સદર એસડીઓ રવિ કુમારે જણાવ્યું હતું કે સવારે 4-5 વાગ્યાની વચ્ચે અમને માહિતી મળી હતી કે દેવઘરથી બાસુકીનાથ જઈ રહેલી ભક્તોને લઈ જતી 32 સીટવાળી બસ નિયંત્રણ બહાર ગઈ અને એક ટ્રક સાથે અથડાઈ, પછી સંતુલન ગુમાવ્યું અને ઈંટો સાથે અથડાઈ હતી. આ મામલે ઝારખંડ સીએમ હેમંત સોરેને પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. તેમણે લખ્યુ કે બાબા બૈધનાથ દુર્ઘટનામાં મરનાર લોકોની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
