‘પુષ્પા 2’ નો ક્રેઝ તો જુઓ: અલ્લુ અર્જુનને જોવા મચી ભાગદોડ…3 ઘાયલ-એક મહિલાનું મોત, ભીડને કાબુમાં લેવા કરવો પડ્યો લાઠીચાર્જ

હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન ભાગદોડ મચી ગઈ હતી. આ ભાગદોડમાં એક મહિલાનું મોત થયું છે જ્યારે 3 લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું કે અલ્લુ અર્જુન બુધવારે રાત્રે સંધ્યા થિયેટરમાં ફિલ્મની સ્ક્રીનિંગ માટે આવ્યો હતો. આરટીસી એક્સ રોડ પર થિયેટરની બહાર એકઠા થયેલા ચાહકો અલ્લુ અર્જુનને મળવા માંગતા હતા અને આ દરમિયાન અચાનક નાસભાગ મચી ગઈ.

ધક્કામુક્કીના કારણે કારણે ઘણા લોકો એકબીજા પર પડ્યા અને આને કારણે કેટલાક લોકો ઘાયલ પણ થયા. જો કે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને હળવો લાઠીચાર્જ કરવાની પણ ફરજ પડી હતી. ભીડ શમી જતાં પોલીસે ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ડોક્ટરે એક મહિલાને મૃત જાહેર કરી હતી. હાલ મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી. હજુ 3 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ પુષ્પા 2 5 ડિસેમ્બરે રિલીઝ થઈ છે. સેન્સર પ્રમાણપત્ર જણાવે છે કે ફિલ્મનો રનટાઇમ 3 કલાક 20 મિનિટ અને 38 સેકન્ડ છે. પુષ્પા ફિલ્મના પહેલા ભાગનો રનટાઈમ 2 કલાક 59 મિનિટનો હતો. આ ફિલ્મ તમિલ, તેલુગુ, હિન્દી, કન્નડ, બંગાળી અને મલયાલમ ભાષાઓમાં રિલીઝ થઈ છે. આ પહેલી પાન ઈન્ડિયા ફિલ્મ છે, જે બંગાળીમાં પણ રિલીઝ થઈ છે.

આ ફિલ્મને સ્ટાન્ડર્ડ, 3D, IMAX, 4DX, D-BOX ફોર્મેટમાં રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મનો પહેલો ભાગ 2021માં રીલિઝ થયો હતો. પહેલા મેકર્સ ફિલ્મના બીજા ભાગને 2022માં રિલીઝ કરવા માગતા હતા. જો કે અલ્લુ અર્જુન અને નિર્દેશક સુકુમાર વચ્ચે મતભેદને કારણે ફિલ્મનું શૂટિંગ અધવચ્ચે જ અટકાવવું પડ્યું હતું.

2 વર્ષ સુધી વિલંબ થયા પછી આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ તેને પોસ્ટપોન કરવામાં આવી. જણાવી દઇએ કે, 2021 માં રિલીઝ થયેલી ‘પુષ્પા: ધ રાઇઝ’ એ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ભારતીય ફિલ્મ બની હતી.

Shah Jina
Exit mobile version