અમેરિકામાં ગુજરાતીઓની ઠગબાજી, 80 હાજર ડોલરના કેશ કાંડમાં પટેલ યુવતી અને યુવકની ધરપકડ; જુઓ તસવીરો

યુએસમાં કથિત ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે ગુજરાતી યુવક-યુવતીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. કન્ટકીમાં બનેલી આ ઘટનામાં મોન્ટિસેલો પોલીસ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે માર્ચ 19ના રોજ બંને આરોપીને અટકાયત કરવામાં આવી હતી. તેઓ જ્યોર્જિયાના ડાલ્ટન શહેરના રહેવાસી છે અને કન્ટકીમાં રોકડ ભરેલું પાર્સલ મેળવવા આવ્યા હતા. હાલમાં તેઓ જેલમાં છે. આ યુવક-યુવતીની ઓળખ અમિત પટેલ અને દિશા પટેલ તરીકે કરવામાં આવી છે,

જોકે, બંને વચ્ચેનો સંબંધ શું છે તે અંગે પોલીસ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી.મોન્ટિસેલો પોલીસે જણાવ્યું હતું કે 37 વર્ષીય અમિત પટેલ અને 28 વર્ષીય દિશા પટેલને બુધવારે સાંજે લગભગ 5:30 વાગ્યે અટકાવવામાં આવ્યા હતા. તે એક કારમાં મુસાફરી કરી રહ્યા હતા, જે કેસ્ટલ અને ઈલ્ક સ્ટ્રીટ્સના સંધિસ્થળ પર રોકી લેવામાં આવી હતી. અમિત અને દિશા પર એક વૃદ્ધ મહિલાથી 80 હજાર ડોલરની ઠગાઈ કરવાનો આરોપ મૂકાયો છે.

આ કેસની શરૂઆત માર્ચ 12ના રોજ થઈ હતી જ્યારે પીડિતનું કમ્પ્યુટર અચાનક ફ્રીઝ થઈ ગયું અને સ્ક્રીન પર એક પોપ-અપ મેસેજ આવ્યો, જેમાં એક ફોન નંબર આપીને તાત્કાલિક કોલ કરવા સૂચવવામાં આવ્યું હતું.જ્યારે પીડિતાએ તે નંબર પર કોલ કર્યો, ત્યારે તેની વાત એક યુવક અને એક યુવતી સાથે થઈ. તેઓએ પોતાને ફેડરલ ટ્રેડ કમિશનના અધિકારીઓ તરીકે રજૂ કરી પીડિતાને જાણ કરી હતી કે તેનું કમ્પ્યુટર હેક થઈ ગયું છે અને તમામ પર્સનલ ડેટા ચોરી લેવામાં આવ્યો છે.

આ ડેટા પાછા મેળવવા માટે, પીડિતાને નક્કી કરેલી રકમ ચુકવવાની રહેશે, એવું તેઓએ જણાવ્યું હતું.ફ્રોડ કરનારા લોકોના કહેવા મુજબ, પીડિતાએ માર્ચ 14ના રોજ બેંકમાંથી 52 હજાર ડોલર ઉપાડ્યા હતા અને તેની સ્લીપ પણ ફેક FTC એજન્ટ્સ સાથે શેર કરી હતી. ત્યારબાદ, પીડિતાને તમામ રકમ જૂતાના બોક્સમાં રાખીને પોતાના ઘરની બહાર મૂકી દેવા માટે સૂચવાયું હતું. કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો અનુસાર, નક્કી કરેલા દિવસે અને સમયે, પીડિતાના ઘરની પાસે એક કાર આવી, અને પીડિતાએ તે કારની પાછળની સીટમાં કેશથી ભરેલું બોક્સ મૂકી દીધું હતું.

પીડિત પાસેથી પહેલીવાર માર્ચ 17ના રોજ 32,000 ડોલર લેવાયા હતા, અને માર્ચ 19ના રોજ આ જ રીત વધુ 50,000 ડોલર વસૂલવામાં આવ્યા. બંને વખત, અમિત પટેલ અને દિશા પટેલ જ પીડિતના ઘરે પૈસા લેવા માટે ગયા હતા, અને તેમની ગાડી પણ એ જ હતી. જોકે, બીજીવાર તેઓ પૈસા લેવા પહોંચ્યા ત્યાં સુધીમાં પોલીસને તેમની જાણ થઈ ગઈ હતી. માર્ચ 19ના રોજ, તેઓ કેશથી ભરેલું બોક્સ લઈને નીકળ્યા, પોલીસે તેમનો પીછો શરૂ કર્યો. એક ચોક્કસ સ્થળે તેમની કાર રોકીને તપાસ કરવામાં આવી, જેમાંથી રોકડથી ભરેલું બોક્સ મળી આવ્યું હતું.અમેરિકન મીડિયાના રિપોર્ટ્સ મુજબ, હાલ બંને આરોપીને વેન કાઉન્ટીની જેલમાં રાખવામાં આવ્યા છે.

તેમના પર ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમમાં સંડોવણી અને દસ હજાર ડોલરથી વધુની ચોરી સહિતના ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે, અને આ કેસની તપાસ હજુ ચાલુ છે. રસપ્રદ વાત એ છે કે માત્ર ગયા અઠવાડિયે જ જ્યોર્જિયામાં આવા જ પ્રકારના ફ્રોડ કેસમાં સંડોવાયેલા ભાર્ગવ પટેલ નામના યુવકને સાઉથ કેરોલાઈનામાંથી ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યો હતો.અમેરિકન નાગરિકોને તેમનું બેન્ક અકાઉન્ટ હેક થઈ ગયું હોવાના ભયજનક મેસેજ આપીને ઠગવાનો આ ફોર્મ્યુલા ઘણી જૂની છે, અને આ સ્કેમમાં અનેક ગુજરાતી હાલ જેલમાં છે. પરંતુ, આવા કેસમાં કોઈ મહિલાની ધરપકડ થવાનો આ માત્ર બીજો પ્રસંગ છે. એપ્રિલ 2024માં, આ જ રીતે એક યુએસ સિટિઝન પાસેથી દોઢ મિલિયન ડોલર પડાવવાના કેસમાં શ્વેતા પટેલ નામની ગુજરાતી મહિલાને ઝડપી લેવાઈ હતી.

શ્વેતા પર આરોપ હતો કે તે ફ્લોરિડામાં વસતા એક વૃદ્ધને ટાર્ગેટ કરીને આ રકમ પડાવવાની ગોટાળામાં સામેલ હતી. વધુમાં, તેણે અન્ય રાજ્યોમાં પણ આ જ પ્રકારના કૌભાંડમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હતી.જો કોઈ આરોપી એકથી વધુ રાજ્યમાં ગુનામાં સંડોવાયો હોય, તો તેનું જામીન પર છૂટવું ખૂબ મુશ્કેલ થઈ જાય છે. આ જ કારણે, અનેક ગુજરાતી અપરાધીઓ એક વર્ષથી પણ વધુ સમયથી જેલમાં જ કેદ છે. તાજેતરમાં જ, 2023માં આવા જ કૌભાંડમાં સંડોવાયેલા સાગર પટેલ નામના ગુજરાતી યુવકને કોર્ટ દ્વારા છ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

સાગર પટેલે કોર્ટમાં દલીલ કરી હતી કે તેણે યુએસમાં બીજો કોઈ ગુનો કર્યો નથી અને તેથી તેને વધુમાં વધુ બે વર્ષની જેલની સજા આપવામાં આવે. જજએ તેના પર કડક ટિપ્પણી કરતા છ વર્ષની જેલની સજા ફટકારી હતી. સાથે સાથે, સાગરને પીડિત પાસેથી પડાવેલા 1.44 લાખ ડોલર પણ પરત ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા સાગર પટેલને સજા સંભળાવાયા બાદ ICE (ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ) દ્વારા તેની કસ્ટડીમાં લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. આ પહેલા, એક ગુજરાતી આરોપીને છ વર્ષની સજા પૂરી થવા પહેલા જ અમેરિકાથી ડિપોર્ટ કરી દેવાયો હતો.

Previous Article

બોલિવુડ એક્ટર્સ આલોક નાથ અને શ્રેયસ તલપડે વિરૂદ્ધ FIR, કરોડો રૂપિયાની ઠગી કરી ફરાર થઇ જનાર કંપની સાથે જોડાયુ નામ

Next Article

ગુજરાતનું ગૌરવ : ગુજરાતી ઇન્ફ્લુએન્સરની ધોની સાથે ખાસ મુલાકાત, દેવ રાવલ મહેન્દ્ર સિંહ ધોનીને મળ્યો ત્યારે શું વાત કરી? જુઓ

error: Protected Content!
Exit mobile version