આ પૂર્વ મુખ્યમંત્રીની વિદાય ! રાજકીય જગતમાં શોકની લહેર- PM મોદીએ હોસ્પિટલ પહોંચી આપી શ્રદ્ધાંજલિ

ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ શિબૂ સોરેનનું નિધન થયું છે, તેઓ 81 વર્ષના હતા. દિશોમ ગુરુજી તરીકે જાણીતા સોરેને આજે સવારે દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા દોઢ મહિનાથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો, જેના કારણે તેમના શરીરની ડાબી બાજુ લકવો થયો હતો. તેઓ છેલ્લા એક મહિનાથી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા. ન્યુરોલોજી, કાર્ડિયોલોજી અને નેફ્રોલોજીના ડોકટરોની એક ટીમ તેમની સારવાર કરી રહી હતી. શિબૂ સોરેન લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી ડાયાલિસિસ પર હતા.

તેમને ડાયાબિટીસ હતો અને હાર્ટ બાયપાસ સર્જરી પણ કરાવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી તેમની હાલત ગંભીર રહી હતી. પ્રધાનમંત્રી ગંગારામ હોસ્પિટલમાં હેમંત સોરેનને મળ્યા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ પરિવારને મળવા હોસ્પિટલ પહોંચ્યા. મીસા ભારતી, મનોજ ઝા અને ઘણા આરજેડી નેતાઓ પણ હોસ્પિટલમાં પરિવારને મળ્યા. ઝારખંડ સરકારે સોરેનના નિધન પર 3 દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ શિબૂ સોરેનના નિધન પર શોક વ્યક્ત કર્યો.

તેમણે આ દુઃખની ઘડીમાં મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે પણ વાત કરી હતી. શિબુ સોરેનના નિધનની પુષ્ટિ કરતા મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વિટર પર લખ્યું હતું કે, ‘આદરણીય દિશોમ ગુરુજી આપણને બધાને છોડીને ચાલ્યા ગયા છે. આજે હું શૂન્ય થઈ ગયો છું…’ હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, પૂર્વ મુખ્યમંત્રીને સવારે 8:56 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કિડનીની સમસ્યાથી પીડાતા સોરેનને દોઢ મહિના પહેલા સ્ટ્રોક આવ્યો હતો. તેઓ લગભગ એક મહિનાથી લાઇફ સપોર્ટ સિસ્ટમ પર હતા.

ડોકટરોની એક ટીમ સતત ICUમાં તેમનું નિરીક્ષણ કરી રહી હતી. પરંતુ આખરે તેમને બચાવી શકાયા નહીં. વરિષ્ઠ આદિવાસી નેતા શિબૂ સોરેને 38 વર્ષથી વધુ સમય સુધી ઝારખંડ મુક્તિ મોરચાનું નેતૃત્વ કર્યું. તેમણે ઝારખંડ રાજ્ય માટે લાંબા આંદોલનનું નેતૃત્વ કર્યું અને ત્રણ વખત ઝારખંડના મુખ્યમંત્રી રહ્યા. તેમણે 2 માર્ચ 2005 ના રોજ પહેલી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, પરંતુ બહુમતી સાબિત ન કરી શકવાને કારણે 12 માર્ચ 2005 ના રોજ રાજીનામું આપવું પડ્યું.

પહેલી વાર તેઓ માત્ર 10 દિવસ માટે મુખ્યમંત્રી રહી શક્યા. બીજી વાર તેઓ 27 ઓગસ્ટ 2008 ના રોજ મુખ્યમંત્રી બન્યા અને 19 જાન્યુઆરી 2009 સુધી આ પદ પર રહ્યા. ત્રીજી વાર તેઓ 30 ડિસેમ્બર 2009 ના રોજ મુખ્યમંત્રી પદ સંભાળ્યું અને 1 જૂન 2010 સુધી રહ્યા. શિબુ સોરેન 8 વખત લોકસભા સાંસદ તરીકે ચૂંટાઈને સંસદ પહોંચ્યા. તેઓ ત્રણ વખત રાજ્યસભા સાંસદ પણ રહ્યા. તેમણે કેન્દ્રીય મંત્રી તરીકે પણ દેશની સેવા કરી. તેઓ ઝારખંડના રાજકારણમાં સૌથી મોટા વ્યક્તિત્વ હતા અને દેશના રાજકારણમાં પણ પ્રભુત્વ ધરાવતા હતા. ઝારખંડમાં તેમને દિશામ ગુરુ (દેશના ગુરુ) તરીકે ઓળખવામાં આવતા હતા.

Previous Article

50 વર્ષ બાદ જબરદસ્ત ત્રિગ્રહી યોગનું નિર્માણ..! 18 ઓગસ્ટથી આ 3 રાશિના જાતકોનું ચમકશે ભાગ્ય, થશે લાભ જ લાભ

Next Article

એક કલાક સુધી મૃત રહ્યા પછી આ મહિલાનો હૈરતઅંગેજ દાવો, સ્વર્ગમાં આંટો મારી આવી, બોલી- પૂર્વજોને જોયા અને પછી...

error: Protected Content!
Exit mobile version