‘ધરતીપુત્ર નંદિની’ ફેમ અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં મોત, ઓડિશન આપવા જઇ રહ્યો હતો એક્ટર
ટીવી એક્ટર અમન જયસ્વાલનું મોત, ઓડિશન આપવા જઇ રહ્યો હતો અને બાઇકને ટ્રકે મારી ટક્કર
ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા. ‘ધરતીપુત્ર નંદિની’ ફેમ એક્ટર અમન જયસ્વાલનું રોડ અકસ્માતમાં મોત થયું છે. તે માત્ર 23 વર્ષનો હતો. રાઇટર ધીરજ મિશ્રાએ ઇન્ડિયા ટુડે ડિજિટલ સાથે આ સમાચારની પુષ્ટિ કરી. ધીરજ મિશ્રાએ કહ્યું- અમન ઓડિશન આપવાનો હતો. જોગેશ્વરી હાઇવે પર તેની બાઇકને ટ્રકે ટક્કર મારી અને તેના કારણે તેનું મોત નીપજ્યું. અમન જયસ્વાલ ઉત્તર પ્રદેશના બલિયાનો રહેવાસી હતો.
‘ધરતીપુત્ર નંદિની’માં અમન મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત અમન સોની ટીવીના શો ‘Punyashlok Ahilyabai’માં યશવંત રાવનું પાત્ર ભજવતો જોવા મળ્યો હતો. આ શો જાન્યુઆરી 2021માં શરૂ થયો હતો અને ઓક્ટોબર 2023માં સમાપ્ત થયો હતો. અમને પોતાની કારકિર્દીની શરૂઆત મોડેલિંગથી કરી હતી. તે રવિ દુબે અને સરગુન મહેતાના શો ‘ઉડારિયાં’નો પણ ભાગ રહી ચૂક્યો છે. અમનના મોતની ખબર બાદથી ‘ધરતીપુત્ર નંદિની’ની આખી ટીમ આઘાતમાં છે.
દરેક વ્યક્તિ તેના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહી છે. જો કે, હજુ સુધી અમનના પરિવાર તરફથી કોઈ નિવેદન સામે નથી આવ્યું. અમનને બાઇક ચલાવવાનો ખૂબ શોખ હતો. જ્યારે પણ તે ક્યાંય જતો, ત્યારે તે બાઇક દ્વારા જવાનું પસંદ કરતો. તે ઘણા બાઇક રાઇડના વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતો હતો. અમન એક સારો સિંગર પણ હતો. ઘણી વખત તે ગિટાર વગાડતા પોતાના વીડિયો અપલોડ કરતો. ચાહકો અમનના જવાથી ખૂબ જ દુઃખી છે.
અમન જયસ્વાલના મૃત્યુ અંગે મુંબઈના ડીસીપી ઝોન 9 દીક્ષિત ગેડમે જણાવ્યું કે, ‘આ ઘટના હિલ પાર્ક રોડ પર બપોરે 3:15 વાગ્યે બની હતી.’ આરોપી ટ્રક ચાલકે મોટરસાઇકલ ચલાવી રહેલાને કચડી નાખ્યો. જે બાદ તેને તાત્કાલિક ટ્રોમા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જ્યાં તેનું મોત નીપજ્યું. આરોપી અને ટ્રક કસ્ટડીમાં છે. અંબોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવી રહ્યો છે.’
