વડોદરા : આ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી, પ્રિન્સિપાલને આવ્યો ઇ-મેઇલ

વડોદરાની નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને વહેલી સવારે 3.49 વાગ્યે બોમ્બ હોવાનો ઇ-મેલ મળ્યો હતો જે બાદ આ ઘટનાની જાણ સ્કૂલના સત્તાધીશો અને પોલીસને કરવામાં આવી. વડોદરામાં નવરચનાની ત્રણ સ્કૂલ છે, ભાયલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ, સમા નવરચના સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલય…. જેમાં ભાયલી વિસ્તારની સ્કૂલના પ્રિન્સિપાલને ધમકીભર્યો ઇ-મેઈલ મળ્યો હતો.

પોલિસને જાણ કરતાની સાથે જ ભાયલી વિસ્તારની એક સ્કૂલ અને સમા વિસ્તારની બે સ્કૂલમાં બોમ્બ-સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડની ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવ્યું અને સાથે જ બસ સહિતનાં વાહનો અને આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી. ધમકી ભર્યો ઈમેલ મળ્યા બાદ બાળકોને શાળામાંથી રજા આપી દેવાઇ છે. સમા વિસ્તારમાં આવેલ નવરચના સ્કૂલ અને નવરચના વિદ્યાની વિદ્યાલયમાં પોલીસને હાલ તો તપાસમાં કંઈ મળ્યું નથી.

ભાયલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં ચેકિંગ કરાયુ છે. હાલ નવરચના યુનિવર્સિટીમાં પણ ચેકિંગ ચાલી રહ્યું છે. ડીવાયએસપીએ આ મામલે જણાવ્યું કે, નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલને ધમકીભર્યો મેઇલ મળતાં સ્થાનિક પોલીસ એલસીબી, ગ્રામ્ય એસઓજી સહિતની ટીમો સ્કૂલમાં પહોંચી હતી અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી. આ ઉપરાંત પાઇપમાં પણ તપાસ કરવામાં આવી.

જો કે, અત્યારસુધી તપાસમાં કંઈ મળ્યું નથી. ભાયલી નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલનાં પ્રિન્સિપાલ કે જેમને ધમકીભર્યો ઇમેઇલ મળ્યો હતો તે કશ્મીરા જયસ્વાલએ જણાવ્યું કે સવારે 4:30 વાગ્યે મારી પ્રિન્સિપલના આઇડી પર મેઈલ જોયો, જેમાં બોમ્બ મુકાયાની ધમકી આપવામાં આવી હતી, આ પછી તરત જ પોલીસને જાણ કરી અને તમામ એજન્સીઓ એલર્ટ થઈ ગઈ. વિદ્યાર્થીઓને મેસેજ કરી સ્કૂલમાં ન આવવા માટે જણાવી દેવાયું હતું. પોલીસનું ક્લિયરન્સ મળતાં જ સ્કૂલ ચાલુ કરી દેવામાં આવશે.

જણાવી દઇએ કે, નવરચના ઇન્ટરનેશનલ સ્કૂલ કેમ્પસમાં જ નવરચના યુનિવર્સિટી બિલ્ડિંગ આવેલું છે અને તેમ છતાં પણ સવારે યુનિવર્સિટી બિલ્ડિંગ ચાલુ હતુ. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો જઇ પણ રહ્યા હતા…યુનિવર્સિટીની બહાર પોલીસ કાફલો પણ ખડકાયો હતો. સ્કૂલ બસોમાં પણ ચેકિંગ હાથ ધરાયુ હતુ. જો કે બોમ્બની અફવા વચ્ચે પોલીસકર્મીઓ નવરચના યુનિવર્સિટી ગેટ બહાર નાસ્તો કરતી જોવા મળી હતી જેમ કે ઘટનાની કોઈ ગંભીરતા જ ન હોય..

Shah Jina
Exit mobile version