સૈફ અલી ખાન પર ચાકુથી હુમલા દરમિયાન ક્યાં હતી કરીના ? પાર્ટીની તસવીર જોઇ ચાહકો હેરાન
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલાના કેસમાં મુંબઈ પોલીસે મોટું અપડેટ આપ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની તપાસ બાદ આરોપીની ઓળખ થઈ ગઈ છે. સૈફ અલી ખાન હાલમાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે, સર્જરી બાદ તેને ICU વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યો છે. સૈફ અલી ખાન પર ગઈકાલે રાત્રે 2 વાગ્યા આસપાસ ઘરે જ છરી વડે હુમલો થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના બાળકોના રૂમમાં બની હતી, જેમાં સૈફના ઘરના હેલ્પરે ઘરમાં ઘૂસીને હત્યાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવતા અજાણ્યા ઘૂસણખોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
સૈફ અલી ખાન તેના પરિવાર સાથે મુંબઈના બાંદ્રામાં રહે છે. તેનું એપાર્ટમેન્ટ બિલ્ડિંગના સાતમા માળે છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે હુમલાખોર સૈફના ઘરમાં કેવી રીતે ઘૂસ્યો ? મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચના ડીસીપીએ જણાવ્યું કે તેમને રાત્રે 3 વાગ્યા આસપાસ એવી માહિતી મળી હતી કે અભિનેતા સૈફ અલી ખાન પર છરી વડે હુમલો કરવામાં આવ્યો છે. હાલમાં સૈફ હોસ્પિટલમાં છે અને તેની સારવાર ચાલી રહી છે. અભિનેતા હવે ખતરાની બહાર છે. પોલીસે અભિનેતા સાથે વાત કરી નથી.
આ હુમલામાં સૈફ અલી ખાનના ઘરે કામ કરતી મહિલા સ્ટાફને પણ ઈજા થઈ હતી. ડીસીપીએ જણાવ્યું હતું કે, “અમારી પાસે અત્યાર સુધીની માહિતી મુજબ, ચોરીનો મામલો સામે આવ્યો છે. આરોપી સીડી દ્વારા અંદર પ્રવેશ્યો હતો. સૈફ અલી ખાન પર હુમલાની માહિતીએ બધાને ચોંકાવી દીધા છે. મોડી રાત્રે એક ચોર સૈફના ઘરમાં ઘૂસ્યો અને અભિનેતા પર છ વાર છરી વડે હુમલો કર્યો. આ સમગ્ર મામલે કરીના કપૂર ખાનની ટીમ દ્વારા એક સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું છે.
જેમાં લખ્યું હતું કે ‘ગુરુવારે રાત્રે સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનના ઘરે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સૈફને ઈજા થઈ, જેના માટે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જો કે પરિવારના અન્ય સભ્યો બિલકુલ સ્વસ્થ છે. અમે ચાહકો અને મીડિયાને વિનંતી કરીએ છીએ કે તેઓ ધીરજ રાખે અને કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તમારી ચિંતા બદલ આભાર.’
સૈફ અને કરીનાના ચાહકો જાણવા માંગે છે કે આ સમગ્ર ઘટના દરમિયાન અભિનેત્રી ક્યાં હતી. વાસ્તવમાં કરીનાએ 8 કલાક પહેલા ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી હતી. તે જોઈ શકાય છે કે ટેબલ પર કેટલાક પીણાં રાખવામાં આવ્યા છે. આમાં તેણે ફેન્સને તેની ડિનર ડેટની ઝલક બતાવી હતી. સ્ટોરીના કેપ્શનમાં લખ્યું છે કે ‘ગર્લ્સ નાઈટ ઈન’ જણાવી દઈએ કે કરીના તેની બહેન કરિશ્મા, મિત્રો સોનમ કપૂર અને રિયા કપૂર સાથે ડિનર ડેટ પર હતી.
On the health condition of Actor Saif Ali Khan, Dr Niraj Uttamani, COO of Lilavati Hospital says “Saif Ali Khan was attacked by an unidentified person at his house. He has six wounds from sharp objects like knife etc. of which two wounds are deep and one close to his spine. A… https://t.co/8dAgzVWA3r
— ANI (@ANI) January 16, 2025
જો કે, આ સવાલનો જવાબ હજુ સુધી મળ્યો નથી કે કરીનાની ડિનર ડેટ ક્યારે પૂરી થઈ અને હુમલા સમયે તે સૈફ અલી ખાન સાથે હતી કે નહિ. એનડીટીવીના અહેવાલમાં એક સ્ત્રોતને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સૈફ અલી ખાન કોઈ હથિયાર વિના ચોર સામે લડ્યો અને પરિવારને બચાવવાનો પ્રયાસ કર્યો. સૈફ પર હુમલાની તપાસ માટે મુંબઈ પોલીસે કુલ 10 લોકલ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમો બનાવી છે.
