અમરેલીમાં થયુ પ્લેન ક્રેશ, ખાનગી કંપનીનું મીની પ્લેન ક્રેશ થતા પાયલોટનું થયુ મોત, જાણો સમગ્ર ઘટના

અમરેલીમાં ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં મીની પ્લેન ક્રેશની દુર્ધટના સામે આવી છે,પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ થયો હતો અને સમગ્ર પ્લેન આગમાં લપેટાઈ ગયુ હતુ. આગની જ્વાળામાં લપેટાયેલુ પ્લેન નીચે પડતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.આ દુર્ઘટનામાં 19 વર્ષીય અનિકેત મહાજન નામના ટ્રેની પાઈલટનું મોત થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમરેલીના ગીરીયા રોડ પર આજે તાલીમ આપતું એક ખાનગી કંપનીનું નાનું વિમાન ક્રેશ થતાં અમરેલી શહેર અને જિલ્લામાં હડકંપ મચી જવા પામ્યો છે. પ્લેન ક્રેશ થવાની ઘટનાની જાણ થતા જ અમરેલી કલેક્ટર અજય દહિયા, એસપી સંજય ખરાત સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે તાબડતોબ પહોંચ્યા હતા અને પાયલોટને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ હતી.

આ સમગ્ર દુર્ઘટના અંગે એસ.પી. ખરાતે જણાવ્યુ કે પ્લેનક્રેશ થતાની સાથે જ મોટાપાયે સળગી ગયુ છે જેમા અનિકેત મહાજન નામના એક વ્યક્તિનું મોત થયુ છે. એસપીના જણાવ્યા અનુસાર પ્લેનમાં એક વ્યક્તિ સવાર હતો.અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા એ જણાવ્યુ કે ટ્રેનર પ્લેનમાં સિંગલ ટ્રેની સવાર હતા, અને તેઓ સોલો ફ્લાઈંગ કરી રહ્યા હતા. જેની તેમણે મંજૂરી લીધેલી હોવાનું સામે આવ્યુ છે. પ્લેનક્રેશ થયુ તે સમયે એક વૃક્ષ સાથે ટકરાઈને નીચે પડ્યુ હતુ. સદ્દનસીબે તે કોઈ બિલ્ડીંગ સાથે ટકરાયુ ન હતુ.હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જો કે પ્લેનમાં કોઈ ખામી હતી કે કેમ, ક્રેશ થવા પાછળનું કારણ શું તે અંગે હજુ ચોક્કસ કોઈ માહિતી સામે આવી નથી.

Previous Article

સાંસદમાં ચાલી રહી હતી હેલ્થ પોલિસી પર ચર્ચા, ત્યારે જ મહિલા ન કરવાનું કામ કરતા પકડાઈ, જુઓ વીડિયો

Next Article

તારક મહેતા કે ઉલ્ટા ચશ્માના ફેમસ એક્ટરે કરી આત્મહત્યા, આર્થિક તંગીથી કંટાળી ગયા, જુઓ તસવીરો

error: Protected Content!
Exit mobile version