યમનના દરિયાકાંઠે એક પ્રવાસી બોટ પલટી જતાં ઓછામાં ઓછા 68 લોકોના મોત જ્યારે 74 લોકો ગુમ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો, 3 ઓગસ્ટના રોજ યમનના અબયાન પ્રાંતના દરિયાકાંઠે મુસાફરોથી ભરેલી એક બોટ પલટી ખાઈ ગઈ હતી. બોટમાં 154 લોકો સવાર હતા, જેમાંથી ઓછામાં ઓછા 68 લોકોના મોત જ્યારે 74 હજુ પણ ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, બોટમાં સવાર તમામ પ્રવાસ કરનારા ઇથિયોપિયાના હતા, જેઓ સાઉદી અરેબિયામાં રોજગારની શોધમાં યમન થઈને નીકળ્યા હતા. રવિવારે વહેલી સવારે એડનના અખાતમાં આ દુર્ધટના ઘટી હતી, અકસ્માત સર્યા બાદ અત્યાર સુધીમાં 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેમાં નવ ઇથિયોપિયાના અને એક યમનના નાગરિકનો સમાવેશ થાય છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર અને સાથે આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સંગઠન (IOM) એ આ ઘટનાને તાજેતરના વર્ષોની સૌથી ખરાબ દુર્ઘટનાઓમાંની એક ગણાવી છે. બચાવ કાર્યકરો સતત મૃતદેહો અને સંભવિત બચી ગયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે. આ દુર્ધટનાને લઈ અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.
સ્થાનિક સુરક્ષા એજન્સીના જણાવ્યા મુજબ ઘટનામાં મૃતકો અને ગુમ થયેલા માઇગ્રન્ટ્સને ધ્યાનમાં રાખીને સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. દરિયા કિનારે મૃતદેહો પથરાયેલા મળી આવ્યા છે.જણાવી દઈએ કે પૂર્વ આફ્રિકા અને હોર્ન ઓફ આફ્રિકાના દેશોમાંથી લોકો અરબ દેશોમાં પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના માટે યમન મુખ્ય માર્ગ છે. દાણચોરો આ માઇગ્રન્ટ્સ ઘણીવાર ખતરનાક, ભીડભાડવાળી બોટમાં લાલ સમુદ્ર અથવા એડનના અખાતમાં લઈ જાય છે અને ક્યારેક અકસ્માતનો ભોગ બને છે.
IOM ના જણાવ્યા અનુસાર તાજેતરના મહિનાઓમાં બોટ પલટી જતાં યમનમાં સેંકડો માઇગ્રન્ટ્સના મોત થયા છે અથવા ગુમ થયા છે, જેમાં માર્ચમાં યમન અને જીબુટીમાં ચાર બોટ પલટી જતાં બે માઇગ્રન્ટ્સના મોત થયા હતાં અને 186 અન્ય ગુમ થઇ ગયા હતાં. માર્ચમાં IOMએ આપેલા અહેવાલ મુજબ, અવર્સ 2024માં યમનમાં 60,000 થી વધુ માઇગ્રન્ટ્સ પહોંચ્યા હતાં, જ્યારે વર્ષ 2023માં 97,200 થી માઇગ્રન્ટ્સ પહોંચ્યા હતાં. IOM એ પહેલાથી જ ચેતવણી આપી હતી કે યમનમાંથી પસાર થતો રસ્તો વિશ્વના સૌથી ખતરનાક સ્થળાંતર માર્ગોમાંનો એક છે. તેમ છતાં જોખમ હોવા છતાં સ્થળાંતર કરનારાઓ આ માર્ગ પસંદ કરવાનું ચાલુ રાખે છે.
